________________ 98 જગતના વિદ્યમાન ધર્મો બન્યા છે તેઓ ગુરૂનું પદ પામે છે અને પૂજ્ય બને છે. આવા ગુરૂઓને સંઘ તે શ્રમણ સંઘ છે. તે સંઘના પ્રમુખ તે આચાર્ય છે. તે સંઘમાં અધ્યયન-અધ્યાપનની જવાબદારી જે વહન કરે છે તે ઉપાધ્યાય છે અને અન્ય શ્રમણો સાધુને નામે ઓળખાય છે. આમ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય ગુરુપદના અધિકારી હોઈ પૂજાય છે. આમ, તીર્થંકર-અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચેય પૂજ્ય હોઈ પાંચ પરમેષ્ઠિ કહેવાય છે અને જેનો માટે પૂજય છે. એમની પૂજા કે ભક્તિ બે પ્રકારે થઈ શકે છે. એકાંતમાં તેમના ગુણોને યાદ કરી, પોતાના આત્મામાં એવા ગુણો આવે તેવી ભાવના કરી અથવા અરિહંત આદિની મૂર્તિ સમક્ષ ઉપસ્થિત થઈ ગુણાનુવાદ કરીને. મૂર્તિની પૂજા પણ ધૂપ, ફૂલ આદિથી કરવામાં આવે છે. પણ તેમાં પણ ધ્યાન તો એ જ રાખવાનું કે પ્રભુના જેવા જ ગુણો પોતાનામાં પ્રગટ થાય. તીર્થકર વીતરાગ છે તેથી તેમની મૂર્તિની પૂજા કે ભક્તિ એકપક્ષીય છે, એટલે કે ભક્ત જ જે કાંઈ કરવાનું છે તે કરે છે. ભગવાન તે વીતરાગ હોઈ કશું જ કરતા નથી. નથી તેઓ પ્રસન્ન થતા કે નથી થતા અપ્રસન્ન, માત્ર ઉપેક્ષાભાવ જ સેવે છે. આથી તીર્થંકરનો પ્રસાદ ભક્ત પામે એવી કોઈ સંભાવના જૈન ધર્મમાં નથી. વળી, તીર્થંકર પાસે ભક્તિ કરી બાહ્ય સંપત્તિ આદિ નહિ પણ આત્માના ગુણો ખાસ કરી વીતરાગ ભાવની વૃદ્ધિ થાય એવી જ માંગણી ભક્ત કરવી એવો ઉપદેશ છે. સારાંશ કે ભગવાનની પૂજા સ્વયં ભગવાન બનવા માટે છે. આચાર્ય આદિ ગુરુની પૂજા કે ભક્તિનો અર્થ પણ તેમનાં ગુણગાન ગાવાં તે છે અને વિદ્યમાન એવા ગુરૂઓની શારીરિક આવશ્યકતાની પૂર્તિ કરી દેવી એ પણ તેમની ભક્તિનો એક માર્ગ છે. આથી આચાર્ય આદિને નિવાસ, આહાર, આદિની સગવડ કરી આપવી તેનો ગુરુભક્તિમાં સમાવેશ થાય છે. પ્રતિદિન પ્રાતઃકાળે દેવ એટલે કે અરિહંત આદિનું સ્મરણ કે દર્શન અને ગુરૂ એટલે કે આચાર્ય આદિનું દર્શન કર્યા પછી જ સાંસારિક કાર્યો કરવાનો આગ્રહ જૈન શ્રાવકો સેવે છે. જૈનપર્વો કે યાત્રા કે ઉત્સવો એ બધા ભક્તિના પ્રકારોની પાછળ ત્યાગની ભાવના જ મુખ્યરૂપે રહેલી છે. જૈનોનાં પર્વનું માહાભ્ય ઉજવણીમાં કેટલો ત્યાગ થયો તેના ઉપર છે, નહિ કે ભોગ ઉપર. યાત્રાએ જવાનું હશે તોપણ અહિંસા, બ્રહ્મચર્ય આદિનાં વ્રતો પૂર્વક જ યાત્રા કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. તીર્થકરોના જન્મ આદિના મહોત્સવો પણ જૈન ધર્મના અનુયાયી અનશન કરી ઊજવે છે. જૈન ઉપાસકોએ પોતાના આરાધ્યો પ્રતિ ભક્તિનું પ્રદર્શન અનેક રીતે કર્યું છે. તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ સ્થાનોમાં તીર્થની યોજના કરી તેમાં મંદિરોનું નિર્માણ કર્યું છે, એ સિવાયનાં સ્થાનોમાં પણ જ્યાં જૈનોની વસ્તી હોય ત્યાં મંદિરોનું અને જૈન શ્રમણો માટેના અનેક ઉપાશ્રયોનું નિર્માણ કર્યું છે. અહિંસા અને મૈત્રી ભાવનાને મૂર્તરૂપ આપવા અપંગ પશુઓ માટેની