________________
નવા વરસની ભેટ
૧ જાન્યુઆરી, ૧૯૩૧ બે વરસ પહેલાં જ્યારે તું મસૂરીમાં અને હું અલ્લાહાબાદમાં હતા ત્યારે મેં તને જે પત્રો લખ્યા હતા તે તને યાદ છે? તે વખતે તેં મને કહ્યું હતું કે એ પત્રે તને ખૂબ ગમ્યા હતા. એથી કરીને મને ઘણી વાર વિચાર થયાં કરે છે કે, એ પત્રમાળા ચાલુ રાખીને આપણી દુનિયા વિષે તને કંઈક વિશેષ કહેવાનો પ્રયત્ન કેમ ન કરું ? પણ એમ કરતાં હું જરા અચકાયા કરતો હતો. દુનિયાના ભૂતકાળના ઈતિહાસ વિષે, તેમાં થઈ ગયેલાં મહાન નરનારીઓ વિષે તથા તેમણે કરેલાં પરાક્રમ વિષે જાણવું એ ઘણું રસદાયક છે. ઇતિહાસ વાંચો એ ઠીક છે, પણ ઈતિહાસ ઘડવામાં ભાગ લે એ તો વળી એથીયે વિશેષ રસપ્રદ અને આફ્લાદક છે. અને એ તે તું જાણે છે કે આપણું દેશમાં આજે ઇતિહાસ ઘડાઈ રહ્યો છે. હિંદને ભૂતકાળ અતિ અતિ પુરાણો, અને પ્રાચીનતાના ધૂમસમાં લુપ્ત થયેલ છે. જેથી આપણને દુઃખ થાય અને ગ્લાનિ ઊપજે એવા યુગે પણ તેમાં આવી ગયા છે; એથી આપણે શરમાઈએ છીએ અને દુઃખી થઈએ છીએ. પરંતુ એકંદરે જોતાં આપણે ભૂતકાળ ઉજજવળ છે અને તે માટે આપણે જરૂર અભિમાન લઈએ અને તેના વિચારથી આનંદ અનુભવી શકીએ. પણ ભૂતકાળ વિષે વિચાર કરવાની હમણાં આપણને ફરસદ નથી. આજે તે, આપણે ઘડી રહ્યાં છીએ તે ભવિષ્યકાળ તથા આપણે બધે સમય અને શક્તિ રેકી રહ્યો છે તે વર્તમાનકાળ જ આપણા મનને ભરી રહેલ છે.
નૈની જેલમાં, મારે જે કંઈ વાંચવું કે લખવું હોય તે માટે મને જોઈએ તેટલે સમય મળે છે. પણ મારું મન તે ભમતું જ રહે છે અને હું બહાર ચાલી રહેલી આપણી મહાન લડતને, એમાં બીજાં જે ભાગ લઈ રહ્યાં છે તેને તથા તેમની જોડે હું હોત તો હું પોતે શું કરત એને વિચાર કર્યા કરું છું. વર્તમાન અને ભવિષ્યના વિચારમાં