________________
તે વખતે પાટણમાં રાજા ભીમદેવ હતાં. અનેક પંડિતોની સભાથી શોભતાં તેમના દરબારમાં પૂ. આચાર્ય શાંતિસૂરિશ્વજીએ અદ્ભૂત કવિત્વ શક્તિ અને વાદકળાનો પરિચય આપ્યો. રાજાએ તેમની કળાથી ખુશ થઈ તેમને કવીન્દ્ર અને વાદિ ચક્રવર્તીનું બિરુદ આપ્યું.
કવિ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ ધનપાલ પંડિતે આચાર્ય પૂ. શાંતિસૂરિજીને માલવદેશ આવવા વિનંતિ કરી. વિતિને માન આપી ધારાનગરી તરફ વિહાર કર્યો. છેલ્લા મુકામે રાજા ભોજ સામે આવ્યા અને રાજા ભોજે કહ્યું કે ધારા નગરીની રાજસભામાં જેટલા પંડિતોને જીતશો તેટલા લાખ માલવી દ્રમ્મ તમને આપીશ. મારે જોવું છે કે ગુજરાતના જૈન સાધુઓમાં વિદ્વતાનું કેટલું સામર્થ્ય છે? આચાર્યશ્રીએ પડકાર ઝીલી–રાજસભામાં પ્રવેશી ૮૪ વાદીઓને જીત્યા. રાજાએ ત્યારે તેમને વાદિવેતાલનું બિરુદ આપ્યું, અને શરત પ્રમાણે ૮૪ લાખ દ્રષ્મ અર્પણ કર્યા જે જિન મંદિર નિર્માણમાં આપી દેવાયા. આચાર્યશ્રીની વાદ વિષયક ખ્યાતિ સાંભળી તે વખતે બીજા ૫૦૦ પંડિતો ધારાનગરીમાં આવ્યાં તેમને પણ આચાર્યશ્રીએ વાદમાં જીતી લીધા. વડ ગચ્છીય પૂ. મુક્તિચન્દ્રસૂરિજી જેઓએ બૌદ્ધ દર્શનના પ્રમેયનો પાઠ ૧૦ દિવસમાં ૧૦ અધ્યયનો સાંભળવા માત્રથી (ગુપ્તરીતે) કંઠસ્થ કર્યા, તે જાણી આચાર્ય પૂ. શાંતિસૂરીશ્વરજીએ તેમને ષડ્દર્શનનો અભ્યાસ કરાવ્યો તથા ૪૧૫ રાજકુમારોને પ્રતિબોધ કરી જૈન ધર્મની છત્રછાયા નીચે લાવ્યાં. પૂ. આચાર્યશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્રની બૃહત્કૃતિ ૧૮ હજાર શ્લોક પ્રમાણ રચી જે વાદ શક્તિ માટે કિલ્લા સમાન મનાય છે. વાદિદેવ સૂરિજીએ તેના જ આધારે સિદ્ધરાજની સભામાં દિગમ્બર આચાર્ય કુમુદચંદ્રસૂરિને પણ પરાજય આપ્યો હતો. આચાર્યશ્રીએ ૧૦૯૬માં ગિરનાર તીર્થની યાત્રાર્થે સંઘ સાથે પ્રયાણ કર્યું અને ત્યાં જઈ અનશનનો સ્વીકાર કરી જેઠ સુદ–૯ના સમાધિ પૂર્વક દેહ છોડ્યો.
-X-X-X-X-X-X
જીવવિચાર // ૧૮