________________
આજે સવારથી જ મુનિઓ પાસેથી સ્તવનો, ચઉસ્મરણ પયગ્રા વગેરેનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા રહ્યા. બપોરના સમયે પૂ. કલાપૂર્ણસૂરિજી, પૂજ્યશ્રીને સુખ-સાતા પૂછવા આવ્યા ત્યારે પાંચ-સાત મિનિટ તેમની સાથે આનંદપૂર્વક કેટલીક વાતો પણ કરી. બપોરે પડિલેહણ કરી આસન પર બિરાજમાન થયા અને સાંજે પાંચેક વાગ્યાના સુમારે પૂજ્યશ્રીના દેહમાં ધ્રુજારી શરૂ થઈ. પાસે રહેલા મુનિઓ સાવધ બન્યા, નવકાર-મંત્રની ધૂન આરંભી. પૂ. કલાપૂર્ણસૂરિજી મ. પણ તરત જ પધારી ગયા. વાતાવરણમાં ગમગીની છવાઈ રહી... મિનિટ-બે મિનિટમાં પૂજયશ્રીનો પુનિત આત્મા નશ્વર દેહ તજી વિદાય થઈ ગયો. સૌની આંખોમાં અશ્રુધારા ધસી આવી. એક પવિત્ર શિરચ્છત્રનો સદાનો વિયોગ કોની આંખોને ન રડાવે ?
સમુદાયની જવાબદારી સ્વીકારતા સૂરિદેવ :
આમ એક પછી એક વડીલોની છત્રછાયા છીનવાતી ગઈ અને સમુદાયની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે આવી પડી. આત્મ-સાધક અધ્યાત્મ-મગ્ન સાધકને આ ખટખટ પરવડે નહિ, એમ ક્ષણભર આપણને લાગી આવે. જેમણે આત્મસાધના કરવી હોય તેમણે તો બધી જંજાળ છોડી કોઈ ગુફામાં ચાલ્યા જવું જોઈએ - એમ પણ કોઈને વિચાર આવી જાય. પણ આ આત્મસાધક કોઈ ન્યારા જ હતા. તે પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિના અજોડ ઉપાસક હતા. નિશ્ચય અને વ્યવહાર ઉભયના જ્ઞાતા હતા. માત્ર પોતાના માટે જ સાધના નથી, પણ બીજાનો પણ હિસ્સો છે. માટે ત્યાં પણ દુર્લક્ષ ન સેવાય અને દુર્લક્ષ સેવે તો તે દુર્લભબોધિ બને છે, આવું જાણનારા આચાર્યદેવે સમુદાયની જવાબદારી પણ સ્વીકારી. ચતુર્વિધ સંઘ એ તીર્થ છે. તીર્થની સેવા એ જ તત્ત્વ - પ્રાપ્તિનો ખરો ઉપાય છે. આ રહસ્યને આત્મસાત્ કરવા તેઓશ્રી પોતાની આંતરિક સાધના સાથે પોતાના આજ્ઞાવર્તી સાધુ સાધ્વીના જીવનનું યોગ - ક્ષેમ કરવાની જવાબદારીને પણ સક્રિયપણે અદા કરવામાં આનંદ માણતા રહ્યા.
>
–
* *
* *
*
* *
* ૪૦૫