________________
અભયદાનનું ઘોષણા-પત્રક ! દયા, કરુણા વિના દીક્ષા ન ટકે. એ માત્ર મનથી ન ચાલે વર્તનમાં આવવું જોઈએ. સાધુ એને વર્તનમાં મૂકે છે. ગૃહસ્થો એ ન કરી શકે.
મંડિક ચોરની કથા : વધયોગ્ય ચોરને બીજી રાણીઓએ એક જ દિવસ માટે બચાવ્યો ને ભક્તિ કરી. જયારે અણમાનીતીએ જીવનભર માટે અભયદાન આપ્યું. ખાવાપીવાનું સાદામાં સાદું આપ્યું. સારામાં સારી મીઠાઈ કરતાં ચોરને અભયદાન વધુ ગમ્યું. સાચે જ જીવને સૌથી વધુ પ્રિય અભયદાન છે.
મરતાને બચાવવો તે અભયદાન છે, અહિંસા છે. જીવતાને મદદ કરવી તે દયા છે.
હૃદયમાં છલકાતી કરુણા બે રીતે પ્રગટ થાય છે ? નકારાત્મકપણે અને હકારાત્મકપણે. અહિંસા, કરુણાનું નકારાત્મક પાસું છે, દયા હકારાત્મક.
જીવોને કતલખાનાથી બચાવવા તે અહિંસા. તે જીવોને પાંજરાપોળમાં નિભાવવા તે દયા.
અહિંસા જેટલું જ મહત્ત્વ દયાનું છે. ક્યારેક એથી પણ વધી જાય. મરતા જીવ પર તો કદાચ બધા જ દયા કરે, પણ જીવતા પર દયા વિરલા કરે.
અહિંસાથી પ્રધાનપણે સંવર-નિર્જરા થાય. દયાથી પુણ્ય થાય. સાધુ માટે અહિંસા મુખ્ય છે. ગૃહસ્થો માટે દયા મુખ્ય છે.
જીવોને પીડા ન થાય તેની તકેદારી સાધુ રાખે.
જીવોનું જીવનયાપન સુખેથી થાય તેની તકેદારી ગૃહસ્થ રાખે. અહિંસા અભયદાનથી ટકે. દયા દાનથી ટકે. દાન વગરની દયા માત્ર બકવાસ છે.
ગુરુ શિષ્યને સ્વજનાદિથી વિયોગ કરાવીને પાપ નથી કરતા, આત્માના ભૂલાઈ ગયેલા ક્ષમાદિ સ્વજનો સાથે મિલાપ કરાવે છે.
સંયમ જીવનમાં શુદ્ધ ઉપયોગ પિતા છે. ધૃતિ (આત્મરતિ) માતા છે. સમતા પત્ની છે. સહપાઠી સાધુ જ્ઞાતિ છે.
- જ્ઞાનસાર
૧૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧