________________
૩. મૈત્રક અને અનુ-મૈત્રક કાલ (લગભગ ઈ. સ. ૪૭૦ થી ૯૪૨) ૪. સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪) ૫. સતનત કાલ (ઈ. સ. ૧૩૦૪ થી ૧૫૭૩) ૬. મુઘલ કાલ (ઈ. સ. ૧૫૭૩ થી ૧૭૫૮) ૭. મરાઠા કાલ (ઈ. સ. ૧૫૮ થી ૧૮૧૮). ૮. બ્રિટિશ કાલ (ઈ. સ. ૧૯૧૪ સુધી)
૯. આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦) ગ્રંથ ૨ થી દરેક ગ્રંથમાં પહેલાં રાજકીય ઇતિહાસ નિરૂપવામાં આવે છે. એની અંદર રાજ્યતંત્રને પણ સમાવેશ કરવામાં આવે છે. એ પછી સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્મસંપ્રદાયોનાં પ્રકરણ આવે છે. છેલ્લે પુરાતત્ત્વના ખંડમાં સ્થળતપાસ અને ઉખનનમાંથી મળતી માહિતી, સ્થાપત્યકીય સ્મારક, શિલ્પકૃતિઓ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવે છે. આમ અહીં રાજકીય ઇતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાં આલેખવાનું યોજાયું છે. આ માટે તે તે વિષયના વિદ્વાનોને પ્રકરણ તૈયાર કરવા વિનંતી કરવામાં આવે છે. મળેલાં પ્રકરણોનું સંપાદન કરવામાં એકસરખી પદ્ધતિ, સંદર્ભ–નોંધ, પ્રમાણિત માહિતી તર્કયુક્ત અર્થઘટન ઈત્યાદિનું યથાશક્ય ધ્યાન રાખવામાં આવે છે, છતાં અર્થઘટન અને અભિપ્રાયની બાબતમાં ફરક રહેવાના. આથી આ પ્રકરણોમાં જુદા જુદા વિદ્વાનોએ આપેલાં મંતવ્ય તે તે વિદ્વાનનાં છે એ ખ્યાલમાં રાખવું ઘટે; સંપાદકોને એ સર્વ મંતવ્યો સ્વીકાર્ય છે એમ માની લેવું નહિ. વળી આ પ્રકરણો પૃષ્ઠસંખ્યાની મર્યાદાને અનુલક્ષીને સંક્ષેપમાં લખાયાં હોઈ, એમાંની વિગતો માટે જેમને વિશેષ જિજ્ઞાસા હોય તેમને ગ્રંથને અંતે આપવામાં આવેલી સંદર્ભસૂચિ ઉપયોગી નીવડશે.
આ ગ્રંથ ૧, પછીના ગ્રંથમાં આવતા ઈતિહાસની પૂર્વભૂમિકારૂપે છે, આથી એમાં પહેલા ખંડમાં ભૌગોલિક લક્ષણો, ભૂસ્તર-રચના અને ગુજરાતના વર્તમાન તથા ઐતિહાસિક વિસ્તાર તથા એનાં પ્રાચીન–અર્વાચીન નામને લગતો પ્રાસ્તાવિક ખંડ આપવામાં આવ્યો છે. ખંડ ૨ માં પહેલાં પ્રાગ-ઈતિહાસ અને આઘ-ઈતિહાસનાં