________________
જીવે વિભાવ દશામાં બાંધેલું કર્મ ઉદયમાં આવે ત્યારે જો મિથ્યાત્વનો અનુબંધ ન તૂટ્યો હોય તો વિપાક વિપરીત સ્વભાવ રૂપ વિભાવદશા મોહની લાગણી રૂપ જીવને બનાવે અર્થાત્ ક્રોધમોહનીય કર્મ જાતે અનુબંધવાળું બાંધ્યું તો જ્યારે ઉદયમાં આવે ત્યારે તે વખતે જીવ પાસે નિમિત્ત કે વગર નિમિત્તે પણ ક્રોધ કરાવી, ફરી નવું ક્રોધ મોહનીય કર્મ બંધાવે. જો અનુબંધ પશ્ચાતાપાદિ વડે તેનો રસ તોડી નાખ્યો હોય તો કર્મ ઉદયમાં આવે, ક્રોધનાં નિમિત્ત આવે ત્યારે આત્મા ક્રોધ નિષ્ફળ કરે અથવા ક્રોધ થઈ જાય તો તરત તેનો પશ્ચાતાપ થયા વિના નહીં રહે. આમ વિપાક એટલે આત્માના સ્વભાવની વિરુદ્ધ -વિભાવ રૂપે થવું તે અર્થાત્ આત્મા પોતાના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ સ્વભાવ રૂપે ન વર્તે અને તેનાથી વિપરીત વર્તે.
શુભ કર્મ કે અશુભ કર્મ બન્ને પુગલ સ્વરૂપ હોવાથી (રૂપી) તે અરૂપી ગુણ પર આવરણ લાવે. માટે બન્નેના ઉદયમાં જો આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તો નિર્જરા ન થાય. અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્ને યોગમાં આત્મા મોહને આધીન ન થાય અને સ્વગુણમય બને તો તેને સ્વગુણની અનુભૂતિ વડે અપૂર્વ આનંદસમતાની અનુભૂતિ ને નિર્જરા થાય. ગજસુકુમાલ મુનિ અશુભકર્મના વિપાકમાં સળગતા ખેરના અંગારા માથામાં મૂકાયા છતાં સમતામાં રહેવાથી કેવલજ્ઞાન પામ્યા અને પૃથ્વીચંદ્રને પણ લગ્નના મહોત્સવમાં બધી અનુકૂળતા વચ્ચે મોહના મહોત્સવમાં નિરાળા થઈને રહ્યા તો તેમાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આથી શુભ કર્મના વિપાક કે અશુભ કર્મના વિપાકમાં આત્મા ધર્મ ધ્યાનનો અધિકારી ત્યારે જ બની શકે જ્યારે તેને સંયોગ (શુભ-અશુભ) બન્ને હેય લાગે- “હું સંયોગથી પર-નિરાળો છું, મારે સંયોગથી-મોહના પરિણામથી છૂટા થઈ મારા સ્વભાવ પ્રમાણે થવાનું છે. શેયના જ્ઞાતા અને સમતાના ભોકતા જ બનવાનું છે, તો આત્મા ધર્મધ્યાનનો અધિકારી થઈ શકે. ૪થે ગુણઠાણે ભેદજ્ઞાન (સ્વ-પરના નિર્ણયરૂપ) અને તેની રુચિરૂપ પરિણામના કારણે ધર્મધ્યાનને યોગ્ય અધિકારી થાય. પાંચમે ગુણસ્થાનકે વિરતિ વડે સંયોગના ત્યાગ (અલ્પકાળ ત્યાગના કારણે) અલ્પકાળઅલ્પ ધર્મધ્યાન કરી શકે. ૬ઠે સર્વ સંગના ત્યાગ વડે મોહને દૂર કરવાનો પ્રયત્ન હોવાથી ધર્મધ્યાનમય જીવન જીવી શકે. ૭મે ગુણ સ્થાનકે મોહને સંપૂર્ણ અલ્પકાળ માટે આધીન ન હોવાના કારણે શુદ્ધધર્મ ધ્યાનનો ધ્યાતા બને. ૮મે ગુણ સ્થાનકે શુદ્ધ પરિણામની સ્થિરતારૂપ શ્રેણીની પ્રગતિ એક સરખી છે તેથી સંપૂર્ણ મોહનીય કર્મનો નાશ કરી, ૧રમે વીતરાગ અને ૧૩મે - સર્વ ઘાતી કર્મનો નાશ કરી કેવલી થાય.
અજીવ તત્વ | 197