________________
• ભાવથી ઊર્ધ્વગતિ એટલી સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું (રમવું):
ભાવ અર્થાત્ હોવું, થવું. પુદ્ગલના સ્વભાવ પ્રમાણે થવું તે સંસાર અને પુદ્ગલના સ્વભાવથી છૂટવું તેનું નામ મોક્ષ. મોક્ષ-મોક્ષ ફક્ત બોલતા રહ્યા અને આરાધના કરીને પણ સંસારમાં જ ભટકતા રહ્યા. જેને પુદ્ગલના સ્વભાવથી છૂટી જવું હોય તેને ભગવાનની એકેક આજ્ઞાઓ જાણવી અને માનવી પડશે.
અત્યાર સુધી પુણ્ય એ પણ પુદ્ગલ છે એ વાતની ખબર જ ન હતી. પુદ્ગલને તો પરમાત્માએ હેય કહ્યું છે માટે પુણ્ય પણ હેય જ છે. દ્રવ્યથી ઉંચે જવું તે દ્રવ્ય ઊર્ધ્વગતિ છે અને આત્મ વીર્યને ગુણમાં પ્રવર્તમાન કરવું તે ભાવથી ઊર્ધ્વગતિ છે. આત્મા જયારે ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણેય શરીરથી પૂર્ણતયા છૂટે ત્યારથી આત્માની દ્રવ્યથી ઊર્ધ્વગતિ પૂર્ણ પણે થાય. આના માટે આત્મા ભાવથી ઊર્ધ્વગતિ કરે તે માટે આત્મવીર્યને પોતાના ગુણોમાં પ્રવર્તમાન કરવું તે આપણા હાથની વાત છે અને તેની માટે મોહના પરિણામને હટાવવો જ પડે. આપણને પુદ્ગલ છોડ્યા વિના ધર્મ કરાતો હોય તેવો ધર્મ કરવો ગમે છે. માટે જ પરમાત્મા કરતા પણ ગોશાલાના ભકતોની સંખ્યા વધી. આપણે વ્યવહારથી ધર્મી છીએ પણ ખરો ધર્મ તો કેવલી પ્રરૂપિત તત્ત્વ ધર્મનું શરણ લઈએ તો છે. આપણે અરિહંતના સિદ્ધના શરણાર્થી છીએ અને તો જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના શરણાર્થી છીએ. ભાવથી ઊર્ધ્વગતિ માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માટે સર્વવિરતિ ગ્રહણ કરીને ગુમિ રુપ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ ઘાતકર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રગટે તેમ સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થાય અને અઘાતીના ક્ષય પછી જ સ્વરૂપનું પ્રગટીકરણ થાય એટલે દ્રવ્યથી ઊર્ધ્વગતિ થાય. શરીર છૂટે એટલે આત્મા લોકાતે પહોંચી જાય.
આત્માએ આત્મામાં સ્થિર થવાનું છે તો શરૂઆત ક્યાંથી થાય? જ્ઞાન શુદ્ધિ પ્રથમ કરવી પડે. ઉપયોગ શુદ્ધિ વિનાની સાધના સિદ્ધિનું કારણ બનતી નથી, કેવલીને ઉપયોગ શુદ્ધિ પૂર્ણ છે. પૂર્વ બંધાયેલા કર્મોના કારણે વ્યવહાર છે ત્યાં સુધી બંધ પણ છે. જીવદ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે ત્યાં સુધી ગુન્હો, ત્યાં સુધી એને સજા. સિદ્ધ ભગવંતોનું આત્મવીર્ય નિરંતર પોતાના આત્મ પ્રદેશોમાં અને ગુણોમાં જ પૂર્ણપણે વર્તે છે માટે એમને કર્મબંધ નથી. પરમાં પ્રવર્તે ત્યાં સુધી તેને કર્મબંધ છે અને ભેદજ્ઞાન વિના પરથી અટકવાનું કાર્ય થઈ શકતું નથી કારણ અનાદિકાળથી આત્મા શરીર સાથે અભેદભાવે થઈ ગયો છે.
128 | નવ તત્ત્વ