________________
અશુચિમય કાયામાં રહેવાનું મન જ ન થાય અને એના શણગારાદિને છોડી દે, એનું મમત્વ છૂટી જાય. પણ આ ન થાય તો આત્માને છેતરવાની વાત આવશે. દેહથી મુક્ત થવાનો અલિપ્ત થવાનો ભાવ થાય ત્યારે જ એ મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાય. આત્માનો સ્વભાવ નિઃસંગ છે માટે દેહથી છૂટવાનું છે. સર્વ સંગના ત્યાગરુપ નિઃસંગ ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માની સ્થિરતા થઈ શકે નહીં. આત્મ દ્રવ્ય સ્વરૂપથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય સ્વરૂપ જેવો જ છે. છેલ્લે આત્મા લોકાંતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને આકાશની સાથે જ રહેવાનો છે ને એનાથી આત્માને કોઈ વાંધો પણ નહીં આવે અને એની પીડા પણ નથી,
જ્યારે પુદ્ગલ દ્રવ્યના સ્વભાવ ને સ્વરૂપ બન્નેથી તે નિરાળો છે માટે એની સાથે હવે રહેવાય જ નહીં. મારો આત્મા તેના સ્વભાવ ને સ્વરૂપ સિવાય ક્યાંય સ્થિર થઈ શકવાનો નથી, આ નિર્ણય થઈ જાય, અને સ્વરૂપ અને સ્વભાવની રુચિના કારણે વીર્ય તે તરફ સહજ ગતિમાન થાય તો પરમાં રખડપટ્ટી ન થાય. આ નિર્ણય ન થાય ત્યાં સુધી રખડપટ્ટી સહજ છે. આથી સ્વ સ્વભાવ અને સ્વ સ્વરૂપનો એવો રુચિ સહિતનો દઢ નિર્ધાર થઈ જાય કે જેથી ઊંઘમાં- સ્વપ્નમાં પણ હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ દેખાય, તે વિના આત્મા સ્વયં પીડા ભોગવશે અને બીજા જીવોને પણ પીડા આપશે ને જન્મ-મરણમાં નિમિત્ત બનશે અને એના કારણે ભયંકર સંસાર સર્જન થશે.
અજીવ તત્વ | 111