________________
આત્મા પોતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણોના કર્તા છે. જ્ઞાનાદિ ગુણો કારણ છે અને સ્વરૂપ રમણતા રૂપ કાર્ય છે. (અરૂપાદિ સ્વરૂપે) કેવલ જ્ઞાનથી સ્વદ્રવ્ય સાથે સર્વ જ્ઞેયને જાણે છે. શુદ્ધ સ્વભાવ રૂપ ભોગ્યના ભોકતા છે. શુદ્ધ સ્વરૂપના જ ગ્રાહક અને રક્ષક છે. શુદ્ધ સ્વભાવમાં જ તન્મયપણે વ્યાપક થયેલા છે અને સંપૂર્ણ આત્મગુણોના પ્રકાશમાં જ લયલીન છે.
સર્વગતઃ સર્વત્ર વ્યાપીને રહેવું તે. આકાશ લોકાલોક સર્વત્ર વ્યાપી છે, આત્મા સંસારી જીવ દેહવ્યાપી છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ૧૪ રાજલોક વ્યાપી છે. કેવલી સમુદઘાત વખતે જીવ પણ ૧૪ રાજલોક વ્યાપી થાય, ૬ દ્રવ્યો પોતાનું અસ્તિત્ત્વ મીટાવી બીજામાં પ્રવેશ કરતાં નથી.
પ્રથમ શબ્દ પરિણામી અને છેલ્લો શબ્દ અપ્રવેશે લખીને સંસારના સ્વરૂપને બતાવી દીધું છે. આત્માને પુદ્ગલના પરિણામો પ્રમાણે પરિણમન પમાડીને અનંતકાળથી અભેદ માની લીધો છે અને આત્માને આનું ભાન પણ નથી રહ્યું. આપણો આત્મા પુદ્ગલના ગતિ આદિ ૧૦ પરિણામો મુજબ પરિણમી રહ્યો છે એ આપણો સ્વભાવ બની ગયો છે. આ ૧૦ પરિણામો જ આપણા દ્રવ્ય જીવનમાં આધાર છે એમ માનીને આ જગત જાણે જીવી રહ્યું છે! જગતના જીવોના સુખ દુઃખનો નિર્ણય પણ આ ૧૦ પરિણામોના આધારે થવાનો. અનુકૂળ પવન ગતિ કરતો હશે તો આપણને સુખરૂપ લાગશે તે જ પવન પ્રતિકૂળ થઈને ગતિ કરશે તો દુઃખરૂપ લાગશે. પુદ્ગલ દશા આત્મભાવમાં વિકાર ઉત્પન્ન કરાવે કારણ અનુકૂળપ્રતિકૂળ પુદ્ગલના સંયોગમાં મોહનો ઉદય થાય. જે પોતે વર્તમાનમાં પુદ્ગલના સ્વભાવ પ્રમાણે ગતિ કરી રહ્યો છે અને તેનું ભાન પણ નથી તો તે કઈ રીતે સ્વભાવમાં આવશે?
આત્માએ પોતાના સ્વભાવમાં સદાય હસવું એ જ એનું મુખ્ય આવશ્યક છે. નિશ્ચયથી છ આવશ્યક સદાય કરવાના છે. સ્વભાવ આવશ્યકમાં આવવા માટે જીવ પુદ્ગલના સ્વભાવનું ભેદજ્ઞાન જરૂરી. ચાલતી વખતે આત્માને થશે કે આ મારા આત્માની ગતિ નથી, મારે તો માત્ર ઊર્ધ્વગતિ કરવાની હોય અને તે માટે જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજન વગર ગતિ કરાય નહીં. છ એ આવશ્યક પણ જ્ઞાનાદિગુણોની પૂર્ણતા માટે જ છે. આથી પ્રયોજન વિના ગતિ ન કરાય. જો આત્મા સ્વ સ્વભાવ પ્રમાણે ગતિ ન કરે તો તેને કર્મબંધ થાય અને પુદ્ગલભાવ પ્રમાણે ગતિ કરે.
અજીવ તત્વ | 109