________________
પ૬૨ ]
[ મહામણિ ચિંતામણિ
શકાય કે ભગવાનને પૂછ્યા વિના પાણી પણ નહોતા પીતા. ભગવાનના શરણે તેમણે તન, મન, આત્મા–બધું જ સમર્પી દીધું હતું. છતાંય ચહેરા પર કોઈ દીનતા ન હતી. હોઠ પર ગુલામીનો કોઈ હરફ સુધ્ધાં ન હતો. ગૌતમ જેને દીક્ષા આપતા તે કેવલી બની જતા. પરંતુ એમની આંખોમાં મેં ભી કુછ કમ નહીં હું એવો ગુરુથી ચડિયાતા ભાવનો કોઈ જ અણસાર ન હતો.
ગુરુ માટે તેમને માત્ર અવિહડ રાગ જ ન હતો, ભારોભાર બહુમાન હતું. જ્ઞાની અને તપસ્વી તાપસી પાસે તેમ જ અબુધ અને નિર્દોષ બાળક અતિમુક્ત (અઈમુત્તા) પાસે તેમણે પોતાનાં નહીં, પરંતુ ગુરુનાં જ ગુણગાન ગાયાં.
ગૌતમ સ્વયં અનેકના ગુરુ હતા, પરંતુ ભગવાન પાસે તો તેઓ છેલ્લા શ્વાસ સુધી વિનમ્ર શિષ્ય રહ્યા. પોતાને જ્યારે પણ કંઈક જિજ્ઞાસા થતી, તત્ત્વનો નિર્ણય કરવાનો પ્રસંગ ઊભો થતો, શંકા થતી, ત્યારે તેઓ ભગવાન પાસે જતા. જઈને પ્રથમ આદક્ષિણા-પ્રદક્ષિણા કરી ભગવાનને ભક્તિભાવથી વંદન કરીને તેમની સમક્ષ, પણ તેમની બહુ નજીક નહીં, તેમ જ બહુ દૂર પણ નહીં એમ સમુચિત સમાંતર સ્થાને બેસતા. તે સમયે તેમની નજર અને કાન ભગવાનની વાણી ઝીલવા અહોભાવમાં સ્થિર રહેતાં. ચહેરો નમેલો રહેતો અને હાથ લલાટના મધ્યે અંજલિપૂર્વક જોડેલા.
એ જ પ્રમાણે જ્યારે ગૌતમ ભગવાનની આજ્ઞાથી કંઈ બહારના કામે ગયા હોય તો બહારથી આવીને પ્રભુને વંદન કરતા અને પછી પોતાને સોંપાયેલા કામનો અહેવાલ જણાવતા.
આમ ગૌતમસ્વામી વિનય અને વિનમ્રતાના જીવતા-જાગતા પ્રતીક હતા. સ્વાધ્યાય અને ધ્યાન, જ્ઞાન અને તપ; વાણી, વિચાર અને વર્તનનો તેમના જીવનમાં સુભગ અને સમતોલ સમન્વય હતો. શરીરધારી છતાં ભાવથી અશરીરી હતા. દેહધારી છતાં દેહાતીત હતા. પ્રવૃત્તિરત છતાં ભાવથી અકર્મણ્ય હતા. સંસારી છતાંય સંસારથી પર હતા. જીવન-દ્રષ્ટા હતા એ.
મહાવીરના આ શિષ્ય સ્વાધ્યાય-વીર, ધ્યાન-વીર, જ્ઞાન-વીર, તપ-વીર અને યોગ-વીર હતા. નર-નીર અને જીવન-વીર ગૌતમસ્વામીને સો-સો લાખ-કોટિ વંદના !
તિ. ૧૫-૧૧-૭૭ના જિનસંદેશમાંથી સાભાર)
* * *
મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્યુલિભદ્રાધા જૈન ધર્મોસ્તુ મંગલ.
a woo
.