________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૬૧
નીતરતું. તેમનું વચન ક્યારેય મિથ્યા થતું નહીં. વચનસિદ્ધ હતા એ. તેમની વાણીમાં જાદુ હતો. જેમને તેઓ પ્રતિબોધ પમાડતા તેમનો જીવનોદ્વાર થઈ જતો.
તેઓ હવામાં ઊડી શકતા. ઊંચો અષ્ટાપદ પર્વત. ઉપર જોતાં ડોક રહી જાય. ઉપરથી નીચે જોતાં આંખ ચકરાવે ચડે. જાડા માણસનું તો તેના પર ચડવાનું કામ નહીં. પણ ગૌતમસ્વામી ઉપર ચડ્યા. ઉપલબ્ધ ચારણલબ્ધિનો ઉપયોગ કર્યો. સૂર્યનાં કિરણોને પકડી સડસડાટ આંખના પલકારામાં ઉપર પહોંચી ગયા અને એવી જ ત્વરાથી નીચે આવી ગયા.
તેમના સ્પર્શમાં રોગ-શમનની શક્તિ હતી. એ સ્પર્શમાં શૂન્યને પણ છલકાવી અખૂટ રાખવાની ય તાકાત હતી.
૭૧
સાંભળેલું તેઓ ભૂલતા નહીં. એક પદ જાણતાં પછીનાં બીજાં પદ પણ આપોઆપ બોલી જતા. પદના અનેકવિધ અર્થ જાણતા. તેઓ નાનાં-મોટાં રૂપ પણ ધારી શકતા. સામાના મનમાં ચાલતી ગડભાંજ તેઓ નજર માત્રથી જાણી શકતા. તેજોલેશ્યા જેવી સંહારક શક્તિ પણ તેમને પ્રાપ્ત થઈ હતી. કહે છે કે એકસાથે સોળ મહાદેશોને ભસ્મસાત્ કરી શકે તેવી સમર્થ સંહારક તેજોલેશ્યા તેમને તપના પ્રભાવથી પ્રાપ્ત થઈ હતી !
ગૌતમસ્વામીએ પોતાની લબ્ધિઓનો ઉપયોગ માત્ર બે જ વાર કર્યો. એક અષ્ટાપદની યાત્રા પ્રસંગે, બીજી વાર તાપસોને પારણાં કરાવવા માટે. પણ તેમને મળેલી લબ્ધિઓ એવી અચિંત્ય પ્રભાવક હતી કે તે આપોઆપ કામ કરતી. આથી જ કદાચ તેઓ આજ સુધી સૌના સૌથી વધુ પ્રિય અને પૂજ્ય, વંદનીય અને શ્રદ્ધેય બની રહ્યા છે.
ગૌતમસ્વામી માત્ર તપસ્વી જ નહોતા, જ્ઞાની હતા. અનંત જ્ઞાની. તેમનો તપ જ્ઞાનથી રસાયેલો હતો. અથવા તેમનું જ્ઞાન તપથી પરિપ્લાવિત હતું. જ્ઞાન અને તપ તેમના જીવનમાં સમરસ બન્યાં હતાં. વેદકાલીન ચાર વેદ, છ વેદાંગ, ધર્મશાસ્ત્ર, પુરાણ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર આદિ ૧૪ વિદ્યાના ઇન્દ્રભૂતિ ગૌતમ મૂર્ધન્ય વિદ્વાન હતા. તે સમયે વૈદિક પંડિતોમાં તેઓ દિગ્વિજયી હતા. પણ જીવના અસ્તિત્વ વિશે શંકામાં હતા. ભગવાન મહાવીરે એ શંકાનું સમાધાન કરાવી આપ્યું અને ઇન્દ્રભૂતિનો કાયાપલટ થઈ ગયો. નવો જન્મ તેમને મળ્યો. ભગવાનના તેઓ પ્રથમ શિષ્ય ગૌતમ ગણધર બન્યા.
ગણધર ગૌતમે ભગવાન મહાવીરના જીવન અને કવનને આત્મસાત્ કર્યું. ભગવાને તેમને ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યની દેશના આપી. આ ત્રિપદીને ગૌતમે કુશાગ્ર બુદ્ધિથી પચાવી અને અર્થથી વિસ્તૃત કરી દ્વાદશાંગીની રચનામાં પાયાનો, મહત્ત્વનો પ્રમુખ ભાગ ભજવ્યો. આ દ્વાદશાંગીમાં સમગ્ર જૈન દર્શનનો સમાવેશ થઈ જાય છે.
ગૌતમસ્વામીનાં જ્ઞાન અને તપ સર્વોત્કૃષ્ટ હતાં. સર્વોચ્ચ લબ્ધિઓ તેમને ઉપલબ્ધ હતી. છતાં છાતીમાં અક્કડ ન હતી. સામા પર પડતી નજરમાં તુચ્છતા ન હતી. ગરદન ટટ્ટાર ન હતી. વાણીમાં અભિમાનનો રણકાર પણ નહીં. હું જાણું છું કે હું કશું જ નથ. જાણતો.' એવી સહજ નમ્રતાના રેશમ-દોરથી તેમનાં વાણી, વિચાર અને વ્યવહાર સુગુંફિત થયાં હતાં.
ભગવાનની આજ્ઞા એ તેમનું જીવન હતું. આશાના અલમાં કોઈ પ્રશ્ન નહીં. કોઈ શંકા નહીં. અતૂટ શ્રદ્ધા અને અખૂટ પ્રેમથી આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરતા. ગૌતમ માટે બેધડક કહી.