________________
૩૯૪ ]
[ મહામણિ ચિંતામણિ
છે. ગૌતમસ્વામીની વિશુદ્ધ હૃદયથી ઉપાસના એ મનોવાંછિત આપવા માટે સમર્થ છે. મનોવાંછિતનો અર્થ શું ક૨વો એ પ્રશ્ન વિચારવા જવો છે. ભૌતિક સુખ-સમૃદ્ધિનાં સાધનો, પુત્ર, પત્ની, પરિવાર આદિ તો ભવભ્રમણના નિમિત્ત રૂપ છે. આ જીવનને મનોવાંછિત કોઈ હોય તો તે રત્નત્રયી દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. એ સિવાય કોઈ ઇચ્છા હોઈ શકે જ નહીં, એટલે ભારેકર્મી જીવો અજ્ઞાનતાને વશ થઈને ક્ષુલ્લક વસ્તુઓની ઇચ્છાઓ પૂર્ણ થાય તેવી ભક્તિના ફળની આશા રાખે છે. પરિણામે સંસાર ઘટાડવાને બદલે વધારે છે. જે પોતાના જીવનમાં આરાધના કરીને, સંસાર ધટાડીને સર્વોચ્ચ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામ્યા તેની પાસે આવી આશા રખાય ખરી ? અનંત ઉપકારી ગુરુ ભગવંત પાસે ભૌતિક સમૃદ્ધિની સોદાબાજી ચાલી રહી છે તો તે મળી જાય, પણ મનુષ્યજન્મ હારી ગયા, તેનું શું ? એ વિચારીએ તો મનોવાંછિતની યથાર્થતા સમજાય.
ગૌતમસ્વામી એ સાક્ષાત્ જ્ઞાનસાગર હતા. ભગવાન મહાવીરે માત્ર ત્રિપદીનું દાન કર્યું, અને તેમાંથી દ્વાદશાંગીની રચના કરીને વિરાટ વિશ્વના માનવીઓના કલ્યાણને માટે ભગવાન મહાવીરના વારસદાર તરીકે જ્ઞાનમાર્ગનો અપૂર્વ પ્રકાશ-પુંજ પાથર્યો, જેનું ચિંતન, મનન અને શ્રવણ કરીને ચતુર્વિધ સંઘ આરાધનામય બનીને મનુષ્યજન્મને કૃતાર્થ કરી રહ્યા છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને ત્રિપદી સંભળાવી ત્યાર પછી એમણે દ્વાદશાંગીની રચના કરી. ત્રિપદીની વિગત નીચે મુજબ છે :
‘તન્નેવા, વિમેવા, થુવેવા’
એટલે કે દરેક પદાર્થ વર્તમાન પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાય રૂપે નષ્ટ થાય છે, અને મૂળ દ્રવ્ય રૂપે નિત્ય રહે છે.
બીજી ગાથા ગૌતમસ્વામીના બહુશ્રુતપણાનો અને અગાધ જ્ઞાનનો પ્રભાવ દર્શાવે છે. ગૌતમસ્વામીનું સ્મરણ તો સંયમ દ્વારા મુક્તિપંથના યાત્રી જેવા ગચ્છના આચાર્યો ‘સૂરિમંત્ર’ તરીકે નિત્ય જાપ જપીને કરે છે, અને પરોક્ષ રીતે એમના કૃપાપાત્ર બની સુખ-શાતાથી મહાવ્રતનું પાલન કરીને સ્વ-પરના કલ્યાણનો સાક્ષાત્કાર કરાવે છે. ત્રીજી ગાથા ગૌતમસ્વામીની આરાધના મંત્રરૂપે થાય છે તેનો સંદર્ભ દર્શાવે છે.
ગૌતમસ્વામી અનંત લબ્ધિનિધાન હતા. એમના અંગૂઠામાં અમૃત હતું. અક્ષીણ લબ્ધિ હતી, જેથી પાત્રને સ્પર્શ કરે તેમાં અન્ન ખૂટે જ નહીં. અષ્ટાપદ પર્વત પર પોતાની અતુલ શક્તિથી પહોંચી ગયા, તાપસોને પારણાં કરાવ્યાં, વગેરે પ્રચલિત વિગતોનો ઉલ્લેખ છે, જે ગૌતમસ્વામીના જીવનના ચમત્કારના પ્રસંગો સમાન ગણાય છે.
આ અષ્ટકની નવમી ગાથા વિશેષ નોંધપાત્ર છે. બીજ વગર ફળ પ્રાપ્ત થાય નહીં, એ ન્યાયે ગૌતમસ્વામી એ મુક્તિમાર્ગની આરાધનાના બીજ સમાન છે એમ દર્શાવતા કવિ જણાવે છે કે ઃ ‘‘ત્રૈલોક્યબીજું, પરમેષ્ઠિબીજું, સજ્ઞાનબીજું જિનરાજબીજું
યન્નામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ||લા
ત્રણ લોક, પરમેષ્ઠિપદ, જ્ઞાનમાર્ગ અને જિનપદના બીજ સમાન ગૌતમસ્વામી અમોને મનોવાંછિત આપો. આવા મહાકલ્યાણકારી ગૌતમસ્વામી ગુરુ–ગણધરનું નામ-સ્મરણ સર્વ રીતે સિદ્ધિ આપનારું બને છે.