________________
આ સામાયિકના આનંદનું તો પૂછવું જ શું?
મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીર પરમાત્માને પૂછયું, પ્રભુ ! મારે મારીને નરકમાં જવાનું છે એ સાંભળી હું ધ્રૂજી ઊઠ્યો છું... શી રીતે સહન થશે એ નરકગતિના ત્રાસો ? કૃપા કરીને મને એવો કોઇ ઉપાય બતાવી દો કે જેથી મારે નરકમાં જવાનું અટકી જાય !
શ્રેણિક ! આ જ રાજગૃહીમાં રહેતો પુણિયો શ્રાવક જો તને પોતાના એક સામાયિકનું પણ ફળ આપવા તૈયાર થઇ જાય તો તારે નરકમાં જવાનું નિશ્ચિત અટકી જાય !
આ સાંભળી મગધ સમ્રાટ શ્રેણિક ઊપડ્યો પુરિયાને ત્યાં ! પુરિયાં શ્રાવકે સ્વસ્થિતિ અનુસાર રાજાની ઉચિત સરભરા કરી.. પછી પોતાને ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું...
પુરિયા ! ભગવાન મહાવીર કહે છે તે તું જો તારા એક સામાયિકનું ફળ મને આપવા રાજી થઇ જાય તો મારી નરકગતિ અટકી જાય ! તું કહે તેટલી સંપત્તિ આપી દેવા હું તૈયાર છું.. પણ તારું એક સામાયિક મને આપી દે !.
રાજન્ ! આપ મને ખરીદી શકો છો, પરંતુ મારા સામાયિકને ખરીદવાની આપની કોઇ તાકાત નથી... કારણ હું તો આપનો પ્રજાજન છું. મને આપ આજ્ઞા કરીને પણ રાજમહેલમાં લઇ જઇ શકો છો. આપની ઇચ્છા પ્રમાણમાં કામ આપ મારી પાસે બળ જબરીથી પણ કરાવી શકો છો. પરંતુ મારા અંતરમાં ઉછળતા શુભ ભાવોને ખરીદવાની આપની શી હેસિયત છે? સામાયિકમાં જ્યારે હું બેઠો હોઉં છું ત્યારે ત્રણેય જગતની ઋદ્ધિ મને ઘાસના તણખલા જેવી લાગે છે. એ વખતની મારા ચિતની પ્રસન્નતાનું તો કોઇ વર્ણન થઇ શકે તેમ નથી ! રાજન્ ! મને તો એમ લાગે છે કે પ્રભુએ નરકગતિ તોડવા માટે સાટે સામાયિક ખરીદી લાવ” એવું આપને કહીને હકીકતમાં તો આખા મગધના સામ્રાજ્યને ભોગવવાના આનંદ કરતાં માત્ર બે ઘડીના સામાયિકનો આનંદ કેટલો જોરદાર હોય છે તે સમજાવવા અને સામાયિક એ કાંઇ સામ્રાજ્યથી ખરીદી શકાય તેવી મામૂલી ચીજ નથી... એ સત્યની પ્રતીતિ કરાવવા જ પ્રભુએ અને મોકલ્યા લાગે છે !
શ્રેણિક શું બોલે ? સમ્રાટ જેવા સમ્રાટ શ્રેણિકને પણ ગરીબ એવા પુણિયા પાસે જે સામાયિકના ફળની ભીખ માગવી પડી તે સામાયિક આજે પણ આપણી પાસે વિદ્યમાન છે. પછી શા માટે આડાઅવળા ફાંફા મારવા?“સમણો ઇવ સાવો હવઇ.” સામાયિકમાં બેઠોલો શ્રાવક, સાધુ જેવો જ હોય છે. આ શાસ્ત્ર પંક્તિને જીવનમાં અનુભવવા રોજ ઓછામાં ઓછું એક સામાયિક તો કરતા જ જાઓ.