________________
૩૩૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
ગૃહસ્થ સાધકને કેટલાક બાહ્યભાવ જકડી રાખે છે ને પ્રગાઢ આત્મ-એકાકારતા થવા દેતા નથી એ અમુક અંશે ખરૂ – પણ, કેટકેટલાય ભાવો કંઈ જીવને વળગ્યા નથીઃ જીવ જ એને વળગ્યો છે. ધારે તો જીવ ઘણાં ઘણાં ભાવો પ્રતિ ઉદાસીન થઈ શકે છે.
સંસારમાં રહીને ય જીવ નિર્ણય કરે કે હું સંસારમાં ભલે રહ્યું પણ સંસાર મારામાં ન રહો તો એ ઘણુંખરૂ ફકીર જેવું જીવન જીવી શકે છે. અભ્યાસે આવું જીવન સહજ જીવી શકાય છે. મોહના ઘરમાં રહી મોહને મારવો એ કેવું અજોડ પરાક્રમ છે !!!
©T
સત્ની શાશ્વત મધુરતાને પામવી હોય તો મધુર ભાસતી ભ્રાંતિઓ નિર્મમપણે મૂકી દેવી પડશે... મીઠી મધ જેવી ભાસતી મોહિનીઓ મેલી દેવી પડશે. ભ્રામક કલ્પનાઓના સ્વર્ગને આગ ચાંપી દેવી પડશે. આમૂલક્રાંતિ સર્જવી પડશે.
પૂર્ણ પુરુષ થવા અર્થે સાધકે અપાર અપાર ભ્રાંતિઓ ભેદવી પડે છે. દિન-રાત આત્મનિરિક્ષણ ચાલે અને ગુણદોષનો અંતર્બોધ તીવ્રતમ થતો રહે તથા અભિનવદર્શન ઉઘડવાની સાથોસાથ વિચાર-વાણીવર્તાવમાં નિરંતર ઉત્ક્રાંત પરીવર્તનો થતા જાય.
©Þ
નવોદિત નિર્મળ દર્શનને નિષ્ઠ રહી... સમયે સમયે... તદનુરૂ૫ આચાર-વિચાર પણ પરીવર્તીત કરતા રહેવા એ ઉત્કટ જાગૃતિવાન પુરુષથી જ સંભવ છે. પરાપૂર્વથી ચાલ્યા આવતા અભિપ્રાયો-ખ્યાલો પલટાવવા અર્થે સતત-અનવરત પ્રજ્ઞા-પુરુષાર્થ જોઈએ.
1001
સત્તા નિઃશબ્દ અનુભવન સિવાયના, તમામ સત્યો સાપેક્ષપણે સાચા છેઃ પણ નિરપેક્ષપણે સાચા જ છે એવું નથી. ભાઈ, ઘણી ગંભીર વાત છે. વાત એ છે કે તમામ પૂર્વનિબદ્ધ ધારણાઓથી વિમુક્ત થઈ, નવેસરથી સત્ય ખોજવા મથવાનું છે.
વાદવિવાદ કરવા જશે એ વાત ચૂકી જશે. વિવાદ નહીં: ખોજ કરવાની છે, ખંતથી. ભાઈ...! સત્યનો રાહ ઘણો અલાયદો અને અગમ્ય છે. ખેંચાતાણીમાં પડવા જેવું નથી. ખોજી જ ખરેખરી વસ્તુસ્થિતિ વિલોકી શકશે. પરમ વિનમ્રપણે ખોજી બની જીવવું.