________________
૨૮૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
જ્ઞાનીઓ કહે છે: હે જીવ... થોભ...શોભ... નહીંતો થાકી જઈશ. જરા ટાઢો પડઃ જરા ઉત્પાત ઓછા કરઃ જરા તો અંતરમાં ઠર, દોટાદોટ કરી તારે શું મેળવવું છે? કદીક તો જરા શાંત-સ્તબ્ધ થઈ વિચાર કે આટલી પાગલ દોડનો અર્થ શું છે?
પ્રભુમય જીવન જીવવું છે એણે, પોતે કેમ વર્તી જવું એ જ ગવેષવાનું છે. જગના લોક તો લાખ વિચિત્રતાથી ભરેલા છે... કોઈ ગમે તેવો વિચિત્ર વર્તાવ દાખવે – બેકદર કે બેવફા પણ બને – પણ પોતે કેમ વર્તી જવું એ જ અત્યંત શોચનીય છે.
આપણા જીવનની સૌથી મોટી વિટંબણા તો એ છે કે મથવા છતાં ઘણીખરી બાબતોનું સ્પષ્ટજ્ઞાન જ લાધતું નથી – આથી આપણે કર્તવ્યવિમૂઢ થઈ જઈએ છીએ... એમ જોતાં, જીવન કેટલું અકળ ને રહસ્યમયી છે ને બેકાબુ છે.
અધ્યાયને વિશે બહુ ઓછા જીવોની રુચિ હોય છે... ખંત અને ખેવનાથી સ્વાધ્યાય કરનારા પણ વિરલા હોય છે. આવો બીજી બીજી ચિઓમાં –બીજી બીજી કરણીઓમાં ખૂબ ખૂબ રાચે છે. પણ સ્વાધ્યાય જેવું પરમતપ કેમ ગોઠતું નહીં હોય ?
બીજી કરણીઓ ગૌણ કરીને ય સ્વાધ્યાય –અર્થાત જાતનું અધ્યયન જાતનું અવલોકન, જાતનું સંશુદ્ધિકરણ કરવામાં ઓતપ્રોત થવા જેવું છે. તદર્થ ખાવું પીવું સુવું બેસવું હળવું મળવુંઈત્યાદિ સર્વ અત્યંત ગૌણ કરી નાખવા જેવું છે.
ખરે તો એટલું અમર્યાદ-મંથન' ચાલવું જોઈએ કે એ સિવાય બીજી કોઈયેય કરણીમાં ન તો મન લાગે કે ન એનો સમય બચે. સ્પષ્ટજ્ઞાનનો ઉજાસ પામવા એકાગ્ર થઈ એવું આકરું મંથન ચાલવું જોઈએ કે નિષ્કર્ષ પામીને જ જીવ જંપે.
મોહવશાત્ જગતનો મામૂલી પદાર્થોને જે મોટા મોટા મૂલ્યાંકન આપી દીધા છે એને તોડવા તાતો મનોમંથનનો પુરુષાર્થ ખેડવો જરૂરી છે. અને અનંત મૂલ્યવાન આત્માને મૂલ્ય આપ્યું નથી એ આપવા. આત્માની ઓળખનો શ્રમ કરવો જરૂરી છે.