________________
પ્રકાશકીય
યુગપ્રભાવક શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિ મહારાજાની જન્મશતાબ્દી વર્ષે સટીક આચારાંગ સૂત્ર ભા૦૧ના પ્રકાશન દ્વારા દિવ્યદર્શન ટ્રસ્ટના સોનેરી ઈતિહાસમાં એક અધિક પ્રકરણ આલેખાઈ રહ્યું છે. પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત અમારા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી પૂજ્ય હરિભદ્રસૂરિ મ. તથા પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાના અનેક જટિલ ન્યાયગ્રંથોના હિન્દી-ગુજરાતી અનુવાદો પ્રકાશિત થયા છે. તેમ જ આગમ સાહિત્ય પ્રકાશનના ક્ષેત્રે પણ અમારા ટ્રસ્ટને ઘણા લાંબા સમય પૂર્વે લાભ મળ્યો હતો. આજે શીલાંકાચાર્યવિરચિત ટીકા સહિત આચારાંગ સૂત્રના પ્રકાશન દ્વારા અમને પુન: આગમભક્તિનો લાભ મળી રહ્યો છે તેનો હૈયે અપાર આનંદ છે.
પરમ પૂજ્ય શીલાચાર્ય(-શીલાંકાચાર્ય)વિરચિત ટીકા સહિત આચારાંગ સૂત્રના પ્રતાકારે તથા પુસ્તકાકારે અનેક પ્રકાશનો અત્યાર સુધી પ્રકાશિત થયા છે. પરંતુ, પ્રસ્તુત પ્રકાશન તેમાં પોતાની વિશિષ્ટ શૈલી દ્વારા આગવું સ્થાન પ્રાપ્ત કરશે એવો અમારો દૃઢ વિશ્વાસ છે. પરમ પૂજ્ય પુનાજિલ્લોદ્ધારક, પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થસંસ્થાપક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજય મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય લઘુ-લઘુહરિભદ્ર, ન્યાયમાર્તંડ પંન્યાસપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના પાવન આર્શીવાદ તથા અનુજ્ઞાથી તેઓશ્રીના શિષ્ય મુનિરાજે આજથી ૪ વર્ષ પૂર્વે આચારાંગ ચૂર્ણિના સંશોધનનો પ્રારંભ કર્યો હતો. આચારાંગ ચૂર્ણિના સંશોધન માટે અવારનવાર આચારાંગ ટીકાને પણ અવલોકવાનું થતું તે દરમ્યાન આચારાંગ ટીકામાં પણ કેટલાંક સ્થળે પાઠની સંદિગ્ધતા તેમને જણાતી હતી. તેથી આચારાંગ ચૂર્ણિની સાથે સાથે ટીકાનું પણ જો સંશોધન થાય તો અભ્યાસુ વર્ગને ઘણી સરળતા પડે એવી તેઓશ્રીના ગુરૂદેવશ્રી યશોવિજયજી મ.ની ભાવનાથી પ્રેરાઇ આચારાંગ ટીકાના સંશોધનની વાત પૂજ્ય આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજાને જણાવી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે ‘આચારાંગ ટીકાના ૧ થી ૪ અધ્યયનનું સંશોધન પંડિતવર્ય શ્રી અમૃતલાલ ભોજકે કરેલ છે. તે જ સંશોધન હાલમાં હું પ્રકાશિત કરી રહ્યો છું.' તેથી મુનિરાજશ્રીએ આચારાંગ શીલાંકાચાર્યટીકાના ૫મા અધ્યયનથી સંશોધનનો પ્રારંભ કર્યો. પાંચમાથી નવમા અધ્યયન સુધીનો બીજો ભાગ હાલ મુદ્રણાલયમાં છે. જે ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે.
પંડિત અમૃતલાલ ભોજક દ્વારા સંશોધિત તથા પૂ. જંબૂવિજયજી મ. દ્વારા સંપાદિત તેમજ સિદ્ધિ-ભુવન-મનોહર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આચારાંગ ટીકાના ૧ થી ૪ અધ્યયનનો પ્રથમ ભાગ ૩ વર્ષ પૂર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે પુસ્તક અંગે પૂ. જંબૂવિજયજી મહારાજાએ મુનિરાજશ્રીને જણાવ્યું હતું કે ‘હજુ આમાં કેટલાક સંસ્કારો કરવા પડે એવા છે તથા કેટલાક સ્થાને મૂળમાં મૂકેલ પાઠો હજુ પણ સંદિગ્ધ છે.’ તેમના આ સૂચનને અનુલક્ષીને કેટલાંક સંદિગ્ધ જણાતા