________________
આ ઉપરાંત શ્રાવક માટે આગામોમાં પંદર પ્રકારનાં કર્માદાન એટલે કે જે કાર્ય-અર્થોપાર્જન સાથે સંકળાયેલું છે. તેમાં કેવાં કામ કરવાં અને ન કરવાં તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે પંદર કર્માદાન શ્રાવકને કરવાયોગ્ય નથી, તેનો સંબંધ જીવહિંસા સાથે જોડાયેલો છે. જેમાંથી ઓછામાં ઓછી જીવહિંસા થાય અને છતાં આજીવિકા ચાલી શકે તે રીતે વ્યાપાર કરવાનું ભગવાને બતાવ્યું છે. તેની પાછળ પણ પર્યાવરણસંતુલન રહેલું જ છે. એક એક કર્માદાન વિશે લખવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાય. પરંતુ અહીં વિષયની મર્યાદા હોવાના કારણે બહુ વિસ્તાર નથી લીધો. આમ છતાં જેમાં અગ્નિનો ઘણો આરંભ થાય, જંગલનાં લાકડાં કાપી તે વેચવા તેમ જ વાડી, બગીચા, બાગ વગેરેમાં ફળ, ફૂલ, શાકભાજી વગેરે ઉત્પન્ન કરીને વેચે તેનો વેપાર, ગાડી, ગાડા, રથ, ઘોડાગાડી, વગેરે વેચે કે ભાડે આપે, તળાવ - કુવા, વાવ વગેરે ખોદાવે, હાથીદાંત, શીંગડા, હાડકાં, જીભ વગેરેનો વેપાર કરે, ચામડાનો વેપાર કરે, ઝેર, સોમલ, અફીણ વગેરેનો વેપાર કરે, વાળ, પીંછા વગેરેનો વેપાર કરે, યંત્રોનો વેપાર કરે, પશુ કે માનવીને ખસી કરે, જંગલ, ખેતરમાં દવ લગાડે, સરોવર-કૂવા ઉલેચાવે, વૈશ્યનાં કાર્ય કરે તેનું પોષણ કરે - આ બધાં કાર્યો શ્રાવક હોય તે ન કરે. - પર્યાવરણનું મૌલિક સૂત્ર એ છે કે – “કેવળ મારું જ એક અસ્તિત્વ નથી. હું વિશ્વમાં હું એકલો નથી. દરેક વ્યક્તિ પોતાની આસપાસની બધી દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. એ પરિપ્રેક્ષ્યમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. આ કારણે જ તીર્થકરોએ દેખીતી રીતે હાલતા-ચાલતા જીવોનું અસ્તિત્વ જ નહિ, પરંતુ જે હાલી-ચાલી નથી શકતાં, છતાં જેનામાં જીવ છે તેવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ બધાંના અલગ અલગ અને જીવંત અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. બીજાના અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાનો સ્વીકાર કરનાર વ્યક્તિ જ વ્યક્તિ ને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપી શકે છે. અહિંસા એ સામંજસ્યનું સૂત્ર છે, જૈન ધર્મનો પ્રાણ છે અને પર્યાવરણની શાન છે. પર્યાવરણ, અહિંસા અને વિજ્ઞાન એ ત્રણે અલગ હોવા છતાં અભિન્ન છે.
અહિંસાનો સિદ્ધાંત એ અનંત ચોવીસીઓ દ્વારા પ્રરૂપિત ઘણો જ પ્રાચીન સિદ્ધાંત છે. અનંત ચોવીસીના ઉપદેશનો જો કોઈ સાર હોય તો તે અહિંસા છે. પ્રભુ મહાવીરે આ અહિંસાના સિદ્ધાંતને અનેક દૃષ્ટિકોણથી જોયો છે, એમાંનો એક દૃષ્ટિકોણ પર્યાવરણનો છે. (જ્ઞાનધારા -પ
: ૧૧૩ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-)