________________
અધર્માસ્તિકાય દ્રવ્ય, જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થાય છે. આકાશાસ્તિકાય દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યોને અવગાહના પ્રદાન કરે છે, તે સર્વ દ્રવ્યના આધારરૂપ છે. કાળ દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્ય પર વર્તી રહ્યો છે, તે પર્યાય પરિણમનમાં સહાયક બને છે. આ ચાર અરૂપી અજીવ પોતાના વિશિષ્ટ સ્વભાવથી સ્વરૂપમાં જ સ્થિર રહે છે, તેમ છતાં જીવાદિની ગતિ આદિ ક્રિયામાં સહાયક હોવાથી તેનું જ્ઞાન આવશ્યક બને છે.
રૂપી અજીવદ્રવ્યમાં એક પુદ્ગલાસ્તિકાય છે. સંઘટન અને વિઘટન એટલે કે ભેગા થવું અને વિખેરાઈ જવું તે તેનો સ્વભાવ છે. જીવોના શરીર, કર્મ, મન, વચન આદિ પૌદ્ગલિક છે. આ લોકમાં જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જ છે, કારણ કે એક પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે.
જીવદ્રવ્યના બે ભેદ છે : (૧) કર્મરહિત જીવો તે સિદ્ધ જીવો (૨) કર્મસહિત જીવો તે સંસારી જીવો. જીવોના કર્માનુસાર તેમાં અનેક પ્રકારની વિવિધતા હોવાથી સંસારી જીવોના પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ ભેદ બતાવ્યા છે. સૂત્રકારે અહીં વિસ્તૃત વર્ણન કર્યું છે .
-
जीवाजीवविभत्ति, सुणेह मे एगमणा इओ । जं जाणिऊण भिक्खू, सम्मं जयइ संजमे ॥
જીવ અને અજીવના ભેદોને તમે એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો; જેને જાણીને સાધક આત્મા સંયમમાં સમ્યક્ પ્રકારે યત્નશીલ થાય છે.
‘દશવૈકાલિક સૂત્ર’ની અધ્યયન-૪ની ગાથા પણ અહીં બંધબેસતી લાગે છે.
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥
વ્યક્તિ સાંભળીને કલ્યાણ અને પાપને જાણે છે, માટે જે કલ્યાણરૂપ છે તેનું આચરણ કરવું જોઈએ.
જીવ પ્રજ્ઞાપનામાં એ વાત સાબિત થાય છે કે સૂક્ષ્મ ભેદમાં પણ જીવ છે, વનસ્પતિ આદિમાં પણ જીવ છે. જે આપણા તીર્થંકરોએ વર્ષો પૂર્વે કહેલી છે, તે વાત વૈજ્ઞાનિકો આજે સાબિત કરે છે. ‘પૃથ્વીકાયના એક નાનકડા ટુકડામાં અસંખ્યા જીવ છે' તેની પૃષ્ટિ આજે વિજ્ઞાન પણ કરે છે. આમ, દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મદર્શનને વૈજ્ઞાનિક મનોવૃત્તિનો ટેકો મળે છે.
જ્ઞાનધારા - ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૧૬૬