________________
ગુજરાતી સાહિત્યકારો વડે આપણે ત્યાં સાહિત્યકારને વગર માગ્યે અપાતાં રહેતાં બે વાચિક પ્રમાણપત્રો મને આ પ્રસંગે યાદ આવે છે. પહેલું પ્રમાણપત્ર આ છે: “માણસ તરીકે બહુ સારો છે.” સૂચિતાર્થ એ કે એનું સાહિત્ય ઠીકઠાક છે. બીજું પ્રમાણપત્ર આવું છે – “જવા દો ને, માણસ તરીકે સાવ નક્કામો છે.' સૂચિતાર્થ એ કે એના સાહિત્યમાં દમ છે. મને ખબર નથી પણ મારી ધારણા છે કે જુદા જુદા વર્ગના સાહિત્યકારો જુદા જુદા પ્રસંગોએ કુમારભાઈ માટે બંને પ્રમાણપત્રો વાપરતા હશે. જેવી જરૂરિયાત ! પણ, કાનમાં કહું બંને પ્રમાણપત્રો જૂઠાં છે કેમકે શું વ્યક્તિનો કે શું તેના સાહિત્યનો કશો પ્રામાણિક અભ્યાસ કર્યા વિના અપાતાં હોય છે, માત્ર છાપને આધારે અને વધારે તો ટેવવશ. હું ઇચ્છું કે આવનારાં વર્ષોમાં કુમારભાઈનું સમગ્રલક્ષી અધ્યયન થાય અને એમને સાચકલું પ્રમાણપત્ર અપાય. અથવા એવું અધ્યયન કરવું એ જ શું કોઈ પણ સાહિત્યકારને આપી શકાતું મોટું પ્રમાણપત્ર નથી ?
78
કુમારભાઈ, મારે મન