________________
અમારાં રસરુચિ-ક્ષેત્રો સાવ ભિન્ન : મને બધા આધુનિક સાહિત્યનો માણસ ગણે, એમને મધ્યકાલીન સાહિત્યનો. મારાં લખાણો ગંભીર અને દુર્બોધ લેખાય, એમનાં હળવાં અને સુબોધ. એમને ક્રિકેટ–પ્રમુખ આખું રમતજગત ગમે, જ્યારે મને ? ટેબલ ટેનિસ અને ચેસ ઠીક ઠીક રમો છું. છતાં સાંપ્રતમાં રમત માત્ર માટે કંટાળો છે. એમની આવી સાહિત્ય કે ધર્મ ઉપરાંતની રુચિ હેરત પમાડે એવી છે. મને થાય, શી રીતે પહોંચી વળાતું હશે બધે ? એમનાં પુસ્તકોમાંથી પસાર થવાનો મને કોઈ અવસર સાંપડ્યો નથી પણ હું એમની ઈટ અને ઇમારત' કૉલમ હમેશાં જોઉં, વાંચે. એમાં પેલું રુચિવૈવિધ્ય વિષયવૈવિધ્યમાં પલટાતું અગ્રેસર થતું જોઉં, સાથે પેલી સરળ શૈલી પણ પરખાય. વૈવિધ્યનો એક છેડો અકબર-બિરબલની દૃષ્ટાંતકથાઓ લગી લંબાયેલો હોય, તો બીજો શેઅર-શાયરીની કવિતા લગી. કૉલમના એ લગભગ દરેક લેખમાં કુમારભાઈ એક શેઅર તો મૂકે જ છે, બૉક્સ' કરાવીને મૂકે છે. મેં એક વાર પૂછેલુંઃ “આ બધું ક્યારે વાંચો છો? આ શેઅર તમારા તો નથી ને ? હોય તો, વેળાસર કહી દેજો ભાઈ.!” મને ઊંડે ઊંડે હજીય એવું લાગ્યા કરે છે કે આ માણસ ખાનગીમાં કાવ્યો કે કાવ્યો-જેવું જરૂર લખતો હશે – એ રહસ્યોદ્ઘાટન તો થાય ત્યારે ખરું - આજે કુમારભાઈને હૃદય-કવિ ગણી લેવામાં, મને લાગે છે, આપણે કશું મોટું જોખમ નથી ઉઠાવતા
સ્વભાવે ઋજુ અને એટલા જ સહિષ્ણુ. એમનો કોઈ દુશ્મન હશે ? તમે ધારણા કરી હોય તો ખોટા પડો. મારાથી તો વાતવાતમાં ને ખુલ્લંખુલ્લાં નારાજ થઈ જવાય. સામાવાળો રિપેરિંગની દાનત ન રાખતો હોય તો કાયમી કિટ્ટા પણ થઈ જાય. એટલી જ આસાનીથી, સામાવાળાને પણ મારી જોડે દુશ્મનાવટથી વર્તવાની, શી ખબર મજા પડે. જ્યારે, કુમારભાઈ અજાતશત્રુ છે. એના પાયામાં એમનો મિલનસાર સ્વભાવ તો ખરો જ પણ નભાવી લેવાની ઉદારતાય ખરી. જેવા મિલનસાર છે એવા જ પરગજુય છે. એમનું પીઆરઓ – પબ્લિક રિલેશન ઓર્ગેનિઝેશન – જોરદાર છે. એક પ્રસંગ ટાંકું :
એક વાર રશ્મીતાને દસેક દિવસ માટે હોસ્પિટલમાં રાખવી પડેલી. એકબે મિત્રો સિવાય કોઈને જણાવેલું નહીં. એક સવારે કામસર હું હોસ્પિટલેથી ઘેર ગયેલો. પાછો ફર્યો ત્યારે ખબર પડી કે કુમારભાઈ તબિયત જોવા દોડી આવેલા. એ તો ખરું જ પણ હોસ્પિટલની મૅનેજમેન્ટના મોવડીઓને તેમજ દાક્તરોને કહીને ગયેલા કે રશ્મીતાની તબિયત માટે સવિશેષ કાળજી કરે. બીજે દિવસે ડિપાર્ટમેન્ટ પર મળ્યા. મને આભારવશ જોઈ બોલ્યા : “અમદાવાદમાં કોઈ પણ ડૉક્ટરની કે હૉસ્પિટલની જરૂર પડે તો મને પહેલું કહેજો, બધે આપણી પહોંચ છે.’ હું હસી પડેલો ને ઠઠ્ઠામશ્કરીની એ જ ચાલમાં કહેલું: ‘એનો અર્થ એ કે અમે માંદા પડીએ, રોગ-મંદવાડ ઘર ઘાલે એવું તમે ઇચ્છો છો...” પછી અમે પરસ્પર હસી રહેવા સિવાયનું કંઈ કરી શકેલા નહીં....
સુમન શાહ