________________
સુખપૂર્વક વળી પ્રગતિભેર ચાલ્યું. મારો આવો અભિગમ અને કુમારભાઈનીય એવી જ હળવી વ્યક્તિતા – બંનેનો બરાબરનો મેળ જામ્યો – ડિપાર્ટમેન્ટમાં તેઓ તરત મારા પછીના ક્રમે હતા, છતાં! અમારી વચ્ચે સદા મૈત્રીની એક જુદી જ ભૂમિકા રહી. એવી કે જ્યારે મળીએ ત્યારે મીઠી મજાક-મશ્કરીઓથી શરૂ થઈએ ને પછી એમાં ને એમાં એવા તો ગુલતાન થઈ રહીએ કે કામની જરૂરી વાત બચારી બાજુમાં ચુપચાપ ઊભી રહી ગઈ હોય, રાહ જોતી ! એ ડીન થયા તે વાતે અભિનંદન આપતાં મેં પૂછ્યું : કુમારભાઈ, હવે વસી ક્યારે બનો છો ?’ એમને પદ્મશ્રી એનાયત થયો એ પ્રસંગે પણ પૂછ્યું: “હવે ગવર્નર ક્યારે થવાના?’ એમનો સ-હાસ્ય ઉત્તર એ હતો કે “બસ, આટલેથી બસ છે.' વર્ષમાં ઓછામાં ઓછું એમને એક વાર તો અમેરિકા જવાનું હોય જ, મોટે ભાગે પર્યુષણ નિમિત્તે વ્યાખ્યાનો માટે. હું કહું : “કુમારભાઈ, તમારી જોડે મને પણ લઈ જાઓને, કહો તો જૈન ધર્મનું બધું વાંચીકરીને સજ્જ થઈ જાઉં. કહો તો જૈન ધર્મનો અંગીકાર પણ કરું” એ કહે: “મારાથી સુમનભાઈ, તમારા પર એવો જુલમ થોડો થાય? અને થાય, તો પછી મારું શું થાય?’ – અને અમે હસીએ. - હું હેડ હતો એ દરમ્યાન એવી રસમ જ નહીં રાખેલી કે દરેક સાથીએ મને રૂબરૂ થવું જ જોઈએ. સૌ સૌનું સંભાળતા જ હોય, વળી ફરિયાદ ન આવે ત્યાં લગી શું કામ ઊંચા-નીચા થવું? છતાં ચિનુ મોદી અને કુમારભાઈ લગભગ મને રોજ મળીને જ જતા. કુમારભાઈ પૂછે : “બધું બરાબર તો છે ને, કશું વિશેષ કરવાપણું હોય તો કહો.” એમના એવા સદા તત્પર સહકારભાવથી મને ખાસ્સી ખાતરી રહેતી, હૂંફ અનુભવાતી. થાય કે સાથી, માત્ર પોતાની સાથે જ નથી, મારી સાથે પણ છે. છતાં, બધાંની જેમ હું એમની પેલી જાણીતી મશ્કરી કરી જ લેતો “કામ તો છે કુમારભાઈ, પણ તમને નવરાશ જ ક્યાં છે? – તમે તો ડિપાર્ટમેન્ટમાં “વિઝિટિંગ પ્રોફેસર” છો, કેમકે વધારે વખત તો તમારે વિદેશોમાં ગાળવાનો હોય છે ! મારે મુખે થયેલો આવો કશો પણ ઠઠ્ઠો કુમારભાઈ હસતું વદને ઝીલી લે, કહે, “જવું પડે છે, શું કરું...” સાચી વાત એવી કે તેમની વિદેશની ટ્રિપો માત્ર દસ-પંદર દિવસની હોય પણ એ વાતનું એમને માન અપાય આવું! બાકી, માત્ર સાહિત્યકલામાં જ સીમિત રહેવાનું પસંદ કરતા સૌ અધ્યાપકોએ અને સાહિત્યકારોએ આ વાત ધ્યાને લેવા જેવી તો છે જ. પાસપોર્ટની પાંખેથી વધારે જાણીતા થયેલા પરંતુ જૈન ધર્મના મોટા વિદ્વાન પ્રોફેસર રમણલાલ ચી. શાહ પછી વિદેશોમાં જૈન ધર્મ-કેન્દ્રી વ્યાખ્યાનો-વાર્તાલાપો માટે કોઈ નિયમિત જતું હોય તો તે કુમારપાળ દેસાઈ છે. આપણને જાણ છે કે વિદેશ વસનારાં આપણા ભાઈ-બહેનોનું અને સંતાનોનું ક્રમે ક્રમે બધું બદલાતું રહેતું હોય છે – ભાષા, સંસ્કાર, ધર્મ, ઘણું બદલાયા પછી વીસરાતું ચાલે, ઘસાઈ જાય. એવા વિષમ સંજોગોમાં, રમણલાલ કે કુમારભાઈ જેવા ધર્મહિતેષીઓની એ સેવાઓ કેવી તો ઉપકારક અને કેટલી તો સમયસરની કહેવાય તે સમજાય એવું છે.
16. કુમારભાઈ, મારે મન