________________
આ પુસ્તકની શૈલીનાં અને કુમારપાળની કલમનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. આવા સુંદર પુસ્તકની રચના માટે કુમારપાળને સંસ્થા તરફથી મુંબઈમાં જાહેર સમારોહ યોજીને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
નાનાં બાળકોની સાચી સાહસગાથા આલેખતા શ્રી કુમારપાળ દેસાઈના પુસ્તક “નાની ઉમર, મોટું કામ એક નવી જ ભાત પાડી ગયું. આ પુસ્તકમાં એમણે બાળ-સાહસવીરોની ગાથા આલેખી છે. એના પ્રથમ ભાગમાં ચાર વર્ષથી માંડીને ચૌદ વર્ષનાં બાળકોએ કરેલી બહાદુરીની વાર્તાઓ આલેખી છે. વળી આ બધી સત્ય ઘટનાઓ હોવાથી એ ઘણી અસરકારક બની રહી. એમાં આવતા સાહસવીર ગાંગટે અને નવીનચંદ્ર ઘોષને તો ભારત સરકાર તરફથી વીરતા બતાવવા માટે પ્રજાસત્તાક દિને “વીર બાળકનો ખિતાબ મળ્યો હતો. આવી જ રીતે ચૌદ વર્ષના બાબુ પૂના નામના કિશોરે બે હજાર માનવીઓને જળશરણ થતા બચાવ્યા તેની કથા આલેખી છે.
જ્યારે એના બીજા ભાગમાં હિંમત, સાહસ, સૂઝ અને સમયસૂચકતાથી અન્યના જીવનમાં અજવાળું ફેલાવનારી વિડીઓની – નાની છોકરીઓની કથા આલેખી છે. એમાં આવતી આઠ વર્ષની પ્રજ્ઞા, અગિયાર વર્ષની સ્વીટી, ચૌદ વર્ષની ઝબક અને વીસ વર્ષની કાન્તાબહેન – એ સહુએ બીજાને બચાવવાની પરોપકારભરી કામગીરી બજાવી છે. આમાં છોકરાઓ ઉપાડી જનાર, બાવાઓ પાસેથી ત્રણ બાળકોને બચાવનાર દિલ્હીની સ્કૂલમાં ભણતી બહાદુર સ્વીટીની કથા લખી છે. કુમારપાળ દેસાઈએ લખેલી એ વાર્તા ગુજરાતમાંથી છેક દિલ્હી સુધી પહોંચી. એ પછી
સ્વીટી કોણ છે અને ક્યાં છે તેની તપાસ કરવામાં આવી. આ અંગે કુમારપાળભાઈએ આપેલી વિગતો પરથી એનો સગડ શોધવામાં આવ્યો, જેના પરિણામે થોડા સમય પહેલાં સ્વીટીને ભારત સરકાર તરફથી “વીર બાળકનો ખિતાબ મળ્યો.
આ પુસ્તકને માટે કુમારપાળ દેસાઈને ભારત સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. આ પારિતોષિક માટે ઠેર ઠેર એમનું બહુમાન થયું. એન.સી.ઈ.આર.ટી. આયોજિત બાલસાહિત્ય વિશેના પરિસંવાદમાં એમને દિલ્હી આમંત્રવામાં આવ્યા. ગુજરાતના આ બાલસાહિત્યકારે ત્યાં એકત્રિત થયેલા સાહિત્યકારો અને વિદ્વાનોને ગુજરાતી બાળસાહિત્યની વિશેષતાઓથી વાકેફ કર્યા, એટલું જ નહીં પણ કુમારપાળે આ પરિસંવાદમાં “Children Literature -- A Challenge' નામનું સંશોધનપત્ર પણ વાંચ્યું.
સમગ્ર ભારતમાં પથરાયેલી ઓલ ઇન્ડિયા જેસીસ નામની સંસ્થાએ એક નવી શોધ કરવાનું શરૂ કર્યું. ચાલીસ વર્ષથી ઓછી વયના તેમજ રાષ્ટ્ર કે સમાજના ઘડતરમાં ફાળો આપનારા દસ પ્રતિભાશાળી ભારતીય યુવકોની શોધ આદરી. આ માટે ભારતનાં જુદાં જુદાં શહેરોમાં પસંદગી યોજાઈ. અમદાવાદ જેસીસ દ્વારા પહેલા અમદાવાદના ત્રણ પ્રતિભાશાળી યુવકોની પસંદગી
SS
ધીરજલાલ ગજર