________________
વાતમાં આવાં ઓઠાં આવ્યા વગર રહે નહિ. હરિકથાકારોનાં આવાં ઓઠાં ધીરે ધીરે ભુલાતાં જતાં હતાં. આવાં કથા-મોતી સમાજમાંથી લુપ્ત થાય, તે પહેલાં ઠેર ઠેર ફરીને હરિકથાકારો પાસેથી એ મેળવીને એની માળા રચી અને એ પુસ્તકનું નામ આપ્યું મોતીની માળા’. એમાં વાતને મલાવી મલાવીને કહેવાની ઓઠાંઓની લઢણ હૂબહૂ આલેખવાનો પ્રયત્ન કર્યો. આ પુસ્તકની હસ્તપ્રતને નવશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું.
ઈ. સ. ૧૯૮૩માં પ્રગટ થયેલી “વહેતી વાતોમાં ગામડામાં પ્રચલિત એવાં ઓઠાંઓ આલેખવામાં આવ્યાં છે. ગામડામાં હરિકથાકારનું આગમન થાય અને એ રાત્રે કથા જમાવે. બીજી એક વ્યક્તિ વાજું વગાડે અને ત્રીજો તબલાં વગાડે. પુરાણ કે મહાકાવ્યનો કોઈ પ્રસંગ લઈને બહેલાવતો જાય અને વચ્ચે વચ્ચે વાતને સચોટ રીતે સમજાવવા માટે ઓઠાં આપતો જાય. આ ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય, એમાં સમાજજીવનની સાચી તસવીર જોવા મળે. જુદી જુદી કોમની જાણીતી ખાસિયતો અને ટેવો જોવા મળે પરંતુ એમાં ક્યાંય નિંદાનો ભાવ હોય નહીં. એમાં કોઈ કોમની નહીં પરંતુ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય. હરિકથાકારનાં એ ભુલાતા જતાં ઓઠાંઓને એકત્રિત કરીને, એ જ મલાવી મલાવીને કહેવાની રીત સાથે વહેતી વાતો' પુસ્તકમાં આલેખવામાં આવ્યાં. આમાં ભરપૂર હાસ્ય હોય, પરંતુ અંતે તો સદ્વર્તન પર ભાર મુકાયો હોય. આવા અગિયાર ઓઠાંઓનો આમાં સમાવેશ કર્યો છે, જેમાંથી ડગલી વેરો જેવાં ઓઠાંઓ તો પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે.
આ પછી બાળસાહિત્યના લેખનની પ્રવૃત્તિ થોડો સમય થંભી ગઈ. શ્રી કુમારપાળ દેસાઈ પીએચ.ડી.ની પદવી માટે આનંદઘન નામના રહસ્યવાદી જૈન કવિ અંગે સંશોધન કરી રહ્યા હતા. આ અંગે એમણે હસ્તલિખિત પ્રતિઓ ધરાવતા અનેક ભંડારોની પ્રતિઓ જોઈ. આજ સુધી અજાણ હોય તેવાં મહાયોગી આનંદઘનનાં ઘણાં કાવ્યો શોધી કાઢ્યાં. એમને ૧૯૭૭ના ઑક્ટોબરમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી પીએચ.ડી.ની પદવી મળી. એક હજાર પાનાંનો એ મહાનિબંધ પુસ્તક રૂપે પ્રગટ થયો. ગુજરાતના પં. બહેચરદાસ દોશી, પં. દલસુખભાઈ માલવણિયા અને ડૉ. રમણલાલ ચી. શાહે એને ઉમળકાભર્યો આવકાર આપ્યો છે.
૧૯૭૯માં કુમારપાળે આબાલવૃદ્ધ સમજી શકે તેવી ભાષામાં બાળકોના બુદ્ધિસાગરસૂરિજી નામક પુસ્તકની રચના કરી. આમાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે સમાજને જાગૃત કરનારા ૧૦૮ ગ્રંથોના પ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના જીવનની કથા આલેખવામાં આવી. આ પુસ્તક પ્રગટ થતાં છ મહિનામાં જ અપ્રાપ્ય બની ગયું. આના પ્રકાશનસમારંભની અમદાવાદમાં ભવ્ય ઉજવણી થઈ હતી. તે સમયે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ વગેરેએ
54 બાળસાહિત્યના સર્જક