________________
પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું એક વિદ્યાર્થિનીએ એમને કહ્યું કે સાહેબ, નવરાત્રી છે. મારી ગરબામંડળી છે. થોડાક દિવસ કામ અટકાવી દઉં? ત્યારે કુમારપાળભાઈએ આની સ્પષ્ટ ના પાડી હતી.
મહાનિબંધના પ્રકરણની એકેએક લીટી તપાસે. ભાષાની નાની અશુદ્ધિ પણ ન ચાલે. વિદ્યાર્થી લખાણ આપે એટલે એમણે આપેલી પખવાડિયાની મુદતમાં એને પાછું મળે ! મને યાદ છે કે મારો મહાનિબંધ લઈને તેઓ વિદેશ ગયા હતા. એરપોર્ટ પર કે વિદેશમાં જ્યારે સમય મળે એટલે તરત જ એ મહાનિબંધ વાંચતા હોય ! સુધારા કરતા જાય અને નોંધ લખતા જાય. કદી વિદ્યાર્થીને પોતાનું કોઈ કામ ચીંધે નહીં, પણ વિદ્યાર્થીને કોઈ સહાયની જરૂર હોય તો સદાય તત્પર. વિદ્યાર્થી સાથે બીજી કોઈ વાત પણ નહીં. એ આવે. એના પ્રકરણની વાત કરે અને અસ્તુ.
આ કારણે એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓ ઉપરાંત પાંચ-સાત વિદ્યાર્થીઓ તો “જગા ખાલી થવાની રાહ જોઈને બેઠા હોય.
ઈ. સ. ૧૯૯૩માં મને પીએચ.ડી.ની પદવી મળી, ત્યારે પદવી મળવાના આનંદ કરતાં એક મહાન શિક્ષકના વિદ્યાર્થી બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું એનો વિશેષ આનંદ હતો. એમના દ્વારા નિમંત્રણો મળતાં ભિન્ન ભિન્ન કાર્યક્રમોમાં જવાનું થયું. આજ સુધી એ પરિચય મને ઉષ્મા, હૂંફ, માર્ગદર્શન આપી રહ્યો છે. મારા માટે ડૉ. કુમારપાળ દેસાઈ આદર્શ પ્રેરણામૂર્તિ બની રહ્યા છે.
એમનામાં ભિન્ન ભિન્ન ગુણો, વિશેષતાઓ, શક્તિઓ અને દિવ્યગુણો છે જેની સૌરભ એમની આસપાસ રહેનાર વ્યક્તિઓ અવશ્ય અનુભવે છે. એમનો જીવનમંત્ર સતત પુરુષાર્થી રહેવાનો છે. એમણે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનામાં વિશેષ પરખશક્તિ છે. વિદ્યાર્થીને પ્રેમ અને પ્રેરણા આપી પથપ્રદર્શક બની એની શક્તિઓને બહાર લાવવાનું એમણે કાર્ય કર્યું છે, જેના કારણે એમના વિદ્યાર્થીઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રે સ્વયંનું અને ડૉ. કુમારપાળભાઈનું નામ રોશન કરી રહ્યા છે. વિપરીત સંજોગોમાં સતત કર્મવીર બની ઉચ્ચ સિદ્ધિઓનાં સોપાનો સર કરી શકાય છે – આ તેમનો જીવનસંદેશ છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની સામાન્યથી માંડીને વિશેષ પ્રતિભાઓ એમના પ્રત્યે પ્રેમાદર વ્યક્ત કરે છે. તે જ સૂચવે છે કે એમનું વ્યક્તિત્વ કેટલું ચુંબકીય છે.
આમ્રવૃક્ષ ફળોથી આચ્છાદિત બને તેમ તેની ડાળીઓ ધરા તરફ ઝૂકે છે. તે રીતે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં માન-સન્માન, ભિન્ન ભિન્ન એવૉર્ડ, ચંદ્રકો, પ્રસિદ્ધિ મળવા છતાં તેમની નમ્રતા અદ્ભત રહી છે. એમની કથની અને કરણીમાં એકરૂપતા છે. જૈન ધર્મ, આધ્યાત્મિકતાના ગહન અભ્યાસને લીધે એમનામાં દિવ્યતાના અંશો જોવા મળે છે. શિક્ષણ, સાહિત્યસર્જન, વિવેચન, સંશોધન, ચિંતન, સંપાદન, પત્રકારત્વ, અનુવાદ એમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં એમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે.
501 કાલિદાસ પ્રજાપતિ