________________
આંતરરાષ્ટ્રીય ચિંતક તરીકે પણ એમણે દેશવિદેશમાં અપાર લોકચાહના મેળવી છે. એમનાં સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક, આધ્યાત્મિક વ્યાખ્યાનો પ્રેરણાનાં પીયૂષ પાય છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેવું તે કાંઈ નાનીસૂની વાત નથી. સતત પુરુષાર્થ, દઢ મનોબળ, આંતરિક સમૃદ્ધિ વિના આ બધું શક્ય નથી. એમના વિદેશ પ્રવાસો પણ ઉલ્લેખનીય રહ્યા છે.
ગાંધીજીએ સાહિત્ય પત્રકારત્વનો ઉપયોગ બહુજનહિતાય કર્યો તે રીતે ડૉ. કુમારપાળભાઈએ બધી પ્રવૃત્તિઓમાં માનવને કેન્દ્રસ્થાને રાખ્યો છે. એમની સર્વ પ્રવૃત્તિઓ મૂલ્યલક્ષી રહી છે. સાહિત્યસર્જનને કલાતત્ત્વ જાળવીને જીવનલક્ષી બનાવ્યું છે. અનેક સંસ્થાઓ સાથે કડીરૂપ બને તેવા સેતુબંધો રચવામાં તેઓ કાર્યદક્ષ રહ્યા છે. સંસ્થાઓની સ્થાપના કરવી અને તેને સતત ધબકતી રાખવી એ દેસાઈસાહેબ પાસેથી શીખવા જેવું છે.
એક વિશિષ્ટ પ્રતિભા બનવામાં એમને અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું હશે. જેમ સોનાની તપાવવું, ટીપવું, કાપવું અને ઘસવું એમ ચાર પ્રકારે કસોટી થાય છે. પણ છેવટે તો સોનાની ચમક જળવાઈ રહે છે, એમ યુગલક્ષણોના પરિપાક રૂપે એમણે પરીક્ષાઓ પાસ કરી હશે પણ એમના વ્યવહારમાં કોઈના પ્રત્યે કડવાશ જોવા મળી નથી. ક્ષમાભાવ જ શિરમોર રહ્યો છે. જૈન ધર્મને એમણે જીવનમાં ઉતાર્યો છે.
ડૉ. કુમારપાળભાઈ ઈ. સ. ૧૯૭૦થી ગુજરાત સમાચારમાં ‘ઈટ અને ઇમારત” કોલમ લખે છે જે ઘણી જ લોકપ્રિય છે. એમના પિતા જયભિખ્ખ પહેલાં એ કૉલમ લખતા હતા. પિતાના અવસાન પછી એ જ કૉલમ ચાલુ રાખી એમણે એને ગૌરવ બક્યું છે. તે રીતે ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં ૧૯૬૦થી રમતગમતની કોલમ પણ લખે છે. એમણે ક્રિકેટ વિશે લખેલાં ત્રણ પુસ્તકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રસિદ્ધ થયાં છે. એમને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાત સમાચારમાં એમની “ઝાકળ બન્યું મોતી', ‘આકાશની ઓળખ અને પારિજાતનો પરિસંવાદ' કૉલમો લોકપ્રિય બની છે.
એમનો સર્જનકાલ નોંધપાત્ર છે. એમણે લખેલાં ૧૦૫ પુસ્તકો વિવિધ વિષયોને આવરી લે છે. એમણે હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ પુસ્તકો લખ્યાં છે જે વિશેષ ઉલ્લેખનીય છે. તેમાં સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ ઉલ્લેખનીય છે. એમણે ૧૪ સાહિત્યિક પારિતોષિકો મેળવ્યાં છે પણ છેલ્લે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી'નું રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું તે એમને રાષ્ટ્રીય કક્ષાએ મૂકી દે છે. ક્યારેક વિચાર કરું છું કે પદ્મશ્રી' જેવાં રાષ્ટ્રીય સન્માન મેળવનારી કેટલી વ્યક્તિનો મારે પરિચય છે? ત્યારે આ સન્માનની વિરલતા અને વિશિષ્ટતાનો ખ્યાલ આવે છે. આ સન્માન તો અલ્પવિરામ છે. હજી તો એવાં કેટલાંય સન્માનો એમને મળશે. ગૂર્જરભૂમિ આવા પનોતા પુત્રને બિરદાવતાં ધન્યતા અનુભવે છે.
ગુર્જર ભૂમિના પનોતા પુત્ર