________________
જેટલાં છે. આ સાહિત્યિક પ્રદાન ઉપરાંત એમનું બીજું મહત્ત્વનું પ્રદાન ‘ગુજરાતી વિશ્વકોશ’ છે. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં એક ટ્રસ્ટની રચના કરીને ગુજરાતી વિશ્વકોશના વિવિધ ગ્રંથોના ભાગો પ્રકાશિત કરીને ગુજરાતી ભાષકોને જ્ઞાનગંગાનું ઘેર બેઠાં આચમન કરવાની તક આપી છે. એમની આ યોજના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું ઊજળું પ્રકરણ બની ૨હેશે. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી'ના ઉપક્રમે વિદેશમાં સ્થિત જૈન સાહિત્યની પ્રાચીન હસ્તપ્રતોનું સૂચિપત્ર તૈયાર કરવાનો એમનો ઉપક્રમ પણ આપણા પ્રાધ્યાપકોના અભ્યાસનું મહત્ત્વનું ઉદાહરણ બની રહેશે.
એમણે તો સાહિત્યની સેવાનો ભેખ ધારણ કર્યો છે અને એટલે જ એ વિશ્વકોશનું સ્વપ્ન સેવી શકે છે. વિશ્વકોશ માટે જમીન મેળવી શકે છે અને અનેક ટ્રસ્ટોને દાન અપાવી શકે છે. એટલું જ નહીં, અનેક લોકોને પોતાનું નામ ન આવે એ રીતે અનુદાનની સ૨વાણી પણ વહાવે છે. આવાં અનેક ઉદાહરણોનો હું સાક્ષી છું કે જેઓ એમની પાસેથી સહાય મેળવીને ખૂબ મોટી કારકિર્દી પર પહોંચ્યા હોય, અથવા તો અસહાય લોકોને એક પ્રકારની સાંત્વના આપીને ઘણી બધી મદદ પહોંચાડી છે. તો આમ કોઈ તકતી ઉપર પોતાનું નામ લખાય એટલા માટે નહીં, કોઈ જગ્યાએ પોતાનું નામ અમર બની જાય એટલા માટે નહીં પણ નર્યા માનવતાવાદી દૃષ્ટિબિંદુથી માનવનું ગૌરવ જળવાય એ રીતે એમની પાસે રહેલાં સ્વજનોને એમણે આ રીતે સહાય કરી છે અને નિર્ભેળ-નિઃસ્વાર્થ પ્રેમ વહાવ્યો છે. તેમનું વ્યક્તિત્વ માતા-પિતા ઉપરાંત કવિ કાગ, મેઘાણી અને ધૂમકેતુ જેવાના સહવાસમાં મહોર્યું એ દર્શન તેમનાં વાણી, વ્યવહાર અને વર્તનમાં અદ્યાપિ દૃષ્ટિગોચર થાય છે.
ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને જૈનદર્શનના અનેં સાહિત્ય કે માનવીય જીવનમૂલ્યોના ઊંડા અભ્યાસી, ઉત્તમ વક્તા, સંનિષ્ઠ સાહિત્યકાર કે વિવિધ સંસ્થાઓમાં સંસ્થાપક અને એ નિમિત્તે સંસ્થાલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા, વિશ્વપ્રવાસી અને પદ્મશ્રી, કુમારપાળ એક નખશિખ માનવપ્રેમી વ્યક્તિ છે. માણસના ઉત્તમને ચાહવું એ એમનું પાયાનું વલણ રહ્યું છે. આવા ઉમદા સાહિત્યકાર કુમારપાળની સાથે જ માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર પરિવાર સાથે અમારા પરિવારનો ગાઢ સ્નેહસંબંધ છે એનું મારે મન મોટું મૂલ્ય છે. એમના વ્યક્તિત્વ અને વાડ્મયમાંની આ ગરિમા અને ગરવાઈ આપણી મોટી મૂડી છે.
34
ગરિમા અને ગરવાઈ