________________
બધા કંઈ સફળ થતા નથી. સફળ થાય તો નિરુપદ્રવી, નિષ્કલંક અને નિષ્કટક રહેતા નથી. કુમારપાળમાં એવું ન બન્યું ! શાથી ?
મને જે ઉત્તર મળે છે મારા જ પ્રશ્નોનો તે કંઈક આવો છે. કુમારપાળ સંવેદનશીલ પણ અભ્યાસી તંત્રવાહક છે. એમની શક્તિને નૈસર્ગિક શક્તિને વ્યક્તિત્વની આ વિશેષ શક્તિના સમન્વયનો લાભ મળ્યો છે. બીજા શબ્દોમાં કહું તો એ સજ્જન છે, સાધંત સજ્જન. વિધેયાત્મક દૃષ્ટિ અને વલણ એમની અસાધારણ સફળતાના મૂળમાં છે. બીજાને સમજવાની અને સમજાવવાની એમનામાં શક્તિ છે. ક્યાંક કોઈ બીજો હેતુ હોય તો તરત કળી જાય છે, પણ ઉશ્કેરાતા નથી. એમનું હથિયાર વેધક દૃષ્ટિ સાથેનું આછું સ્મિત છે. એ ક્રોધ કે કડવાશ વગર સામાને સમજાવી શકે છે. માત્ર પૂરી સજ્જનતા ક્યારેક પૂરું કામ ન આપે. પાકી પરખ અને મક્કમતા જોઈએ. કુમારપાળમાં એ છે જ. એથી સંબંધને તંગ કર્યા વગર કે કડવાશ ને તિરસ્કારનો આધાર લીધા વગર તે પોતાનું ધાર્યું મક્કમ રીતે કરી શકે છે. વિશ્વકોશના કાર્યમાં, અહિંસા યુનિવર્સિટીની સ્થાપના કરવાનો મુસદ્દો તૈયાર કરવાની બેઠકમાં અને સંસ્થાગત સંકડામણ અને સંઘર્ષોની પરિસ્થિતિના ઉકેલમાં કુમારપાળમાં મેં આ શક્તિ જોઈ છે. આનાં દૃષ્ટાંતો છે, પણ આપતો નથી. એક છેલ્લો જ તાજો અનુભવ કુમારભાઈ ડીન બન્યા તે સમયનો. એક અંગત મિત્ર વાત કરી યુનિવર્સિટીના ભવનના અંગત રાગદ્વેષની અને એમના કુટુંબીજનને થતા જૂથવાદ કે વાડાબંધીથી થતા અન્યાયની. મને કહ્યું: ‘તમે કુમારપાળ દેસાઈની નજીક છો. એમને વાત કરશો ?” કહ્યું, ‘જરૂર કરીશ.” ને હૈયાધારણ આપી, “કુમારપાળનું વલણ વિધેયાત્મક છે. કોઈ વાદ, જૂથ, ગ્રંથિ કે બીજી ગણતરીના એ માણસ નથી. એ જરૂર યોગ્ય કરશે.” ને મેં કુમારભાઈને વાત કરી. કામ પતી ગયું. પેલા મિત્ર મને, મારી આળસ અને પ્રકૃતિને જાણે અને કહે, ‘તમે ફોન તો કરો ને આભાર માનો !” હસીને કહ્યું, “ના, કુમારપાળને ખોટું લાગે !”
મિત્ર આશ્વર્યથી જોઈ રહ્યા.
462 અભ્યાસી સંવેદનશીલ તંત્રવાહક