________________
આધ્યાત્મિક જીવનનો પરિચય પ્રાપ્ત કરવા ઘણી સંદર્ભસામગ્રી તપાસી લીધી છે. અકબર, જહાંગીર અને ઔરંગઝેબના શાસનકાળમાં જેમનો જીવનકાળ પસાર થયો હતો એવા આ જૈનસૂરિ વિ. સં. ૧૬૬૦-વિ. સં. ૧૭૩૦ દરમ્યાન હયાત હતા એવું એમણે સંશોધનપૂત પ્રતિપાદન કર્યું છે. એ માટે આ અધ્યાત્મયોગીની પોતાની રચનાઓ, સમકાલીન જૈન સાધુઓ, તપાગચ્છ પટ્ટાવલિ, ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં' પ્રકારનાં ગેય કાવ્યો તેમજ અગરચંદ નાહટા તથા અન્ય મહાનુભાવોએ કરેલાં વિધાનો-મંતવ્યોની પણ તેમણે ફેરતપાસ કરી લીધી છે.
એની પાછળ અધ્યયનની આયોજનપદ્ધતિ અને શિસ્ત પ્રતીત થાય છે. સર્વ ગચ્છથી પર ‘મહાપ્રકાશ’ની શોધ માટે તત્પર, નિર્મળ સ્થિર ભક્તિમાં લીન એવા આનંદઘનજી રાજસ્થાનમાં જન્મ્યા હતા અને ત્યાંના જ મેડતામાં એમનો દેહોત્સર્ગ થયો હતો એવું તેઓ એમના અભ્યાસ ૫૨થી સ્પષ્ટપણે તા૨વે છે. એમણે બીજું પણ નોંધપાત્ર તારણ રજૂ કર્યું છે કે ‘વિરહઘેલી મીરાં અને અધ્યાત્મયોગી આનંદઘન' બંનેના જીવન સાથે મેડતા શહેર સંકળાયેલું છે. અનુશ્રુતિઓમાં વીંટળાયેલા આનંદઘનજીના જીવનને આલોક્તિ ક૨વાનો ડૉ. દેસાઈએ સૂઝપૂર્વક પરિશ્રમ કર્યાની પ્રતીતિ આપણને ગ્રંથના પ્રથમ સંશોધાત્મક લેખ જીવન : અનુશ્રુતિ અને આધારભૂત માહિતી’– માંથી થાય છે.
-
બીજો લેખ ‘કવન : પદો, સ્તવનો અને અપ્રગટ રચનાઓ'માં તેમણે ‘આનંદઘનની ગ્રંથાવલિ'માંનાં પદોમાંથી અવતરણો આપીને તેમજ એમનાં સ્તવનોને અનુલક્ષીને આ અનુભૂતિસંપન્ન યોગી કવિની રચનાઓમાં સહજ રીતે પ્રકટતાં આત્મજ્ઞાન, ઊંડી ભક્તિ અને જૈનદર્શનની ઝલકનો મર્મગ્રાહી પરિચય કરાવ્યો છે. આનંદઘનનાં સ્તવનો જૈન પરંપરાના ઉજ્વલ અંશો દાખવે છે, તો એમનાં પદો ‘કબીર, નરસિંહ અને મીરાંનાં પદોની કક્ષા છે,’ એવું એમનું અભ્યાસપૂત નિરીક્ષણ આપણને આ ક્ષણે સંતકવિજનોમાં તુલનાત્મક દૃષ્ટિએ નિમજજન કરવા પ્રેરે છે. એમનાં સ્તવનો અને પદોમાં ‘શાસ્ત્રજ્ઞ અને કવિ' ઉભય એકસાથે પ્રગટે છે, એવું એમનું વિધાન જોતાં કહી શકાય કે તત્ત્વજ્ઞાન અને કવિતાનો સમન્વય કરનારા નરસિંહ – અખો જેવા આપણા કવિઓની પડખે પોતાનું આસન જમાવે એવા આનંદઘનજી પણ સમર્થ જ્ઞાની કવિ છે. ‘આનંદઘનબાવીસી’ અને ‘આનંદઘનબહોતરી’ જેવી એમની સુપ્રસિદ્ધ રચનાઓમાં એમના સર્જન ઉપરાંત અન્યનો હાથ પણ હશે એવી સંભાવના પણ એમણે સાધાર દર્શાવી છે. આનંદઘનનાં સ્તવનો પર ‘ગુજરાતીનો ઢોળ’ ચડેલો છે અને પદોની છટા ‘રાજસ્થાની’ છે એવી તપાસ આ અધ્યાત્મમાર્ગના પ્રવાસી કવિનાં સર્જનોનો ભાષાકીય અભ્યાસ પણ રસપ્રદ બને છે.
25
ભાનુપ્રસાદ પંડયા