________________
પરિચય આપવા હું હાજર રહ્યો છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો વ્યવસ્થાગત કાર્યભાર ઉપાડવામાં શ્રી ધીરુભાઈ ઠાકરને કેટલી મોટી મદદ કરી છે એ સુવિદિત છે. એમની આ જવાબદારી વધવાની છે અને એનો એમને ભાર લાગવાનો નથી એની મને ખાતરી છે.
અમે ભાષાભવનમાં સાથે અધ્યાપનકાર્ય કર્યું તો વ્યાખ્યાન આપવા માટે ગુજરાતમાં અલગ અલગ સ્થળે ગયા ત્યારે વિદ્યાર્થીઓથી માંડીને વ્યાપક શ્રોતાવર્ગ સુધી કુમારપાળ માટેની ચાહના મેં જોઈ છે. એમને શ્રી ગુણવંત શાહની જેમ દૃષ્ટાંતો અને અવતરણોનો ઉપયોગ કરીને વક્તવ્યને રસપ્રદ બનાવવાની ફાવટ છે. એ જરૂર પડ્યે હિંદી અને અંગ્રેજીમાં પણ વક્તવ્ય રજૂ કરી શકે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં શ્રી ભોળાભાઈ પટેલને એમનો ઉષ્માભર્યો સાથ મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એ ડીન થયા એમાં સામસામી લડતાં જૂથોએ પણ એમને સ્વીકાર્યા તે નોંધપાત્ર છે. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે મધ્યકાલીન સાહિત્યના ભાષાસંશોધનનું કામ એ ચાલુ રાખી શકે એ માટે મારી એમને શુભેચ્છા છે. એ સાથે જ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને જગતનાં વિવિધ નગરોના શ્રોતાઓ સમક્ષ અદ્યતન જીવંત પ્રણાલીને ઉપકારક નીવડે એ રીતે વ્યાખ્યાન આપી શકે છે અને સંવાદ સાધી શકે છે એ એમની સૌથી મોટી સિદ્ધિ છે. ગઝલના લોકપ્રિય શેર અને અનેકાંતવાદના બે ધ્રુવો વચ્ચે કેટકેટલા સહૃદયોની સંવેદના સેતુરૂપ બની હશે એ જ ઉપલબ્ધિ.
23
રઘુવીર ચૌધરી