________________
કુમારપાળ દેસાઈના વક્તા કર્મનો આ લાક્ષણિક નમૂનો હતો. એમને પછી હું મારા ઘેર પણ લાવેલો.
સને ૧૯૯૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અમે અત્રેની નૂતન સર્વ વિદ્યાલયના સાંકળચંદ પટેલ વિદ્યા સંકુલમાં ભરેલું – એ સમયે પણ એમને સન્મુખપણે મળવાનું થયેલું. એમણે મને ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં વિદ્યાર્થીઓ સમક્ષ એક જ દિવસે, દોઢ દોઢ કલાકનાં બે પ્રવચનો આપવા નિમંત્રણ આપેલું. વિષય એક તે ગુજરાતી લોકનાટ્ય અને બીજો તે ગુજરાતી રંગભૂમિ'. સાચી વાત તો એ છે કે નદી કે પર્વતનો પરિચય એટલે નદી કે પર્વતમાં હોવું તે છે. નદી વિશે જાણવું એક વાત છે. નદીમાં પ્રવેશવું બીજી વાત છે. મેં ઝંપલાવ્યું. એક ઊંડો ઘૂંટ ભરતો હોઉં એમ મારા કલારાગને મેં વહેતો કરેલો. અપૂર્વ પેયનું સૌંદર્યધેન સર્જનાર – ઇજન આપનાર કુમારપાળભાઈ હતા. ભવાઈ અને રંગભૂમિની લીલા, રંગ અને સંગે એમણે ચલાવ્યો એક નિવૃત્ત અધ્યાપકને ! એથી ફાયદો તો થયો નિવૃત્ત અધ્યાપકને જ !
ગુજરાત સાહિત્ય અકાદમીની સભાઓમાં મળવાનું થતું ગયું. છેલ્લી સભામાં આત્મજનની માફક મુક્તપણે મળાયું અને થોડીક મુક્ત વાતો પણ થયેલી. એમનાં સર્જનો વિશે, એમને મળેલા પુરસ્કારો, આંતરરાષ્ટ્રીય સાહિત્યયાત્રી તરીકે પણ ઘણા અધિકૃત વ્યક્તિઓ લખશે જ.
બાહ્ય શરીરની સારી એવી ઊંચાઈ, મંદ મંદ હસતી અને કળી ન શકાય એવી સ્નિગ્ધ આંખો. સ્મિત મલ્યા હોઠ, મિષ્ટ અને મિતભાષિતા, સલુકાઈભર્યો સાવચેત વ્યવહાર, માનવસંબંધો પરત્વે માત્ર એક જ ધર્મ અને પ્રેમધર્મ, સ્વાભાવિક સંસ્કારિતા – આ બધું એમના બાહ્ય વ્યક્તિત્વનું વ્યક્તિલક્ષી ચિત્ર છે. પોતાના કથિતવ્ય અને વિષય તરફની માવજતનો અહેસાસ મને પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે થયો હતો. એમણે હેમચંદ્રાચાર્યની સર્જક પ્રતિભા જે રીતે પોતાના ધારદાર અને પ્રભાવક વક્તવ્યમાં આલેખી હતી એ સ્મરણ અંગત રીતે મારે માટે શક્તિમંત ઘટના છે. એમનાં શ્રમ, નિષ્ઠા, અભ્યાસપરાયણતા, સંશોધનવૃત્તિ, જિજ્ઞાસા, વિસ્મયની સાથે ઉત્તમતા જાળવી રાખવાની ખેવના અને એમાં નવાં નવાં પરિમાણો ઉમેરવાની તત્પરતા – આવું બધું કશુંક લગાવ જેવું વિરલ જ ગણાય !
રશિયાનો મહાન નાટ્યકાર પોતાનાં સ્મરણોમાં એક સરસ વાત નોંધે છે : “હું એવા માણસને ભાગ્યશાળી ગણું છું જેને પોતાની દિશા જડી હોય અને એ દિશામાં ચાલતો હોય” ડો. કુમારપાળ દેસાઈની યાત્રા પણ કાંઈક નિર્ધારિત ચોક્કસ દિશાની છે. એમનામાં ક્યાંક ને ક્યાંક પેલા આનંદઘનજીની સક્રિય વિરક્તિ છે એટલે એમની યાત્રા જીવનને સજીવ કરવાની ભૂમિકા છે – એમનું સર્જન પણ એ જ પ્રકારનું છે.
286 જિંદગીની થોડીક ક્ષણોનો હિસાબ