________________
એમ માનીને એ વધુ ને વધુ વખત રમતા જ ગયા. અનુભવને આધારે એમણે એક આંખે દડાની ગતિ પારખવી હોય તો કેવી રીતે ઊભા રહેવું જોઈએ એ તપાસી જોયું. એમણે બેટ પકડીને ઊભા રહેવાની પોતાની રીત પણ ફેરવી નાખી. દડાને પારખવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો. પોતાની મર્યાદાઓ શોધવા લાગ્યો અને એ મર્યાદાઓને કેવી રીતે ઓળંગી જવી એની સતત મથામણ કરવા લાગ્યા. (ગુજરાતમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ધત) લેખક: કુમારપાળ દેસાઈ
કુમારપાળની તો રીત જ નિરાળી ! દર્શન-જ્ઞાન-ચારિત્ર્યની ત્રિવેણીમાં પોતે નાહતા જાય અને એ ત્રિવેણીમાં વાચકને નવડાવતા જાય. મનની મૂંઝવણોનું સુંદર નિરૂપણ અને મનની મથામણોને અંતે રસ્તો શોધવાની અનુપમ તાકાત અને તે તાકાતનું અમલીકરણ – એકીસાથે કેટકેટલું પ્રાગટ્ય !
કુમારપાળના ‘અપંગનાં ઓજસ' પુસ્તકના વાચને તો કેટલાયનાં જીવનમાં ઓજસ પાથર્યા છે. કેટલાયને જીવતા કરી દીધા છે. “મડદાં બેઠાં થયાં છે.” – એમ કહું તો જ યોગ્ય ગણાય.
માનવમાં – જાગ્રત માનવમાં દિવ્યતાનાં દર્શન કરવા અને અન્યને તેનાં દર્શન કરાવવા અને તે દ્વારા માનવતાની જ્યોત વધારે ને વધારે દેદીપ્યમાન બને તે માટેનો આવો ભગીરથ પુરુષાર્થ કુમારપાળની કલમથી છતો થયો છે.
આવનારી પેઢીઓ સુધી આ નજરાણું અકબંધ રહેશે અને એનો આસ્વાદ લેનારા અપંગ માંથી અમાપ સૌંદર્યના સ્વામી બનશે, તેનું મારું હૃદય સાક્ષી પૂરે છે.
સત્યનાં દર્શન કરવાં – એ બહુ મોટી સૂઝ માગી લે છે. સત્યનાં દર્શન કરાવવા અને તે પણ લખાણ દ્વારા તે લેખિનીનો ભવ્ય વિજય છે. ભગીરથ પુરુષાર્થ થકી ઊભી થતી ગંગોત્રી છે. ભગીરથ પુરુષાર્થ ધરાવતા, ધરાવતા એટલું જ નહિ પણ પલાંઠી વાળીને બેસી જતા અને લખતા એવા કુમારપાળમાં ભગીરથ રાજાનાં દર્શન મારા જેવા અસંખ્યોએ કર્યા છે. ધન્ય છે એ બાપ કરતાં સવાયા બેટાને...! વંદન !!
શું શું સંભારું ને શું શું પૂછું? પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.
અમદાવાદમાં શાહપુરમાં આવેલા દિગંબર જૈન મંદિરમાં એક દિગંબર મુનિરાજ આવેલા. તે સમયે કુમારપાળભાઈ અને તેમની સાથે પરદેશની ટીમ દર્શનાર્થે આવેલી. હું તે વખતે હાજર હતો અને કુમારપાળભાઈ અને તેમની સાથે આવેલ પરદેશી ભાઈઓ-બહેનોની બ્રિટનથી આવેલી બી.બી.સી.ની ટીમને દિગંબર મુનિરાજનાં દર્શન કરવા આવેલા જોઈને મારો તો હરખ માતો નહોતો.
228 માનવધર્મના મહાન ચિંતક