________________
અધ્યાત્મ તેમનો બીજો પ્રિય વિષય છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને ચિંતન વિશે તેમણે ઊંડો અભ્યાસ કરેલો છે. જેને તત્ત્વજ્ઞાનની પારંપરિક મીમાંસાથી આગળ વધીને તેઓ તેનું આધુનિક યુગને અનુરૂપ અર્થઘટન કરીને જૈન ધર્મના હાર્દને અને ભગવાન મહાવીરના સંદેશને ઉચ્ચ જીવનશૈલીના ઘટક તરીકે રજૂ કરે છે. અહિંસા, ક્ષમાપના અને નિરામિષાહારનું વ્યાપક ભૂમિકા પર મહત્ત્વ તેમણે વિદેશી જિજ્ઞાસુઓને સમજાવ્યું. તેને કારણે તેમને જૈન અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ધારક તરીકે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. વિશ્વ ધર્મપરિષદમાં ગયેલ ભારતના પ્રતિનિધિમંડળમાં તેમનો સમાવેશ થયેલો. દર વર્ષે ક્વચિત્ વર્ષમાં બે વાર – પરદેશમાં વસતા ભારતીયો માટે જૈન ધર્મ અને સાહિત્ય વિશે કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે.
અધ્યાપક તરીકે પણ તેઓ એટલા જ સફળ છે. તૈયારી કર્યા વગર વર્ગમાં ન જવું. વિદ્યાર્થીને કશુંક નવું વિચારવાની પ્રેરણા આપવી અને બને તેટલા મદદરૂપ થવું એ તેમનો મુદ્રાલેખ. ઊગતા જુવાનને જીવનસંગ્રામમાં ઝૂઝવાનું બળ આપે તેવા આદર્શનું સિંચન પણ તેઓ તેમનામાં કરે છે એટલે તે યુવાપેઢીના પ્રિય પ્રોફેસર છે.
કુમારપાળના વ્યક્તિત્વનું બીજું ઉજ્જવળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશક્તિ. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સુચિતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુઘડ “કુમારપાળ ટચ' જોવા મળે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી કુમારપાળ મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ૧૮ વર્ષથી વિશ્વકોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુકાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે. કોઈ પ્રશ્ન ઊભો થાય તો શાંતિથી યોગ્ય ઉકેલ લાવે. મારામાં નામ પ્રમાણે ગુણ નથી. ઉતાવળિયો છું. કોઈક વાર ગુસ્સામાં નિર્ણય લેવા જઉં તો કુમારપાળ બ્રેક મારે. આજ સુધીના અમારા સહકાર્યકર તરીકેના સંબંધમાં કડવાશ ઊભી કરે એવો એક પણ બનાવ બન્યો નથી તેનું શ્રેય પણ કુમારપાળની શાણી તથા સદ્ભાવપૂર્ણ કાર્યનીતિને છે. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન જેવી સાહિત્યિક સંસ્થાઓ ઉપરાંત “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી” જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાને કુમારપાળની આ પ્રકારની સેવાઓનો લાભ મળેલો છે. કશી ધાંધલધમાલ વગર શાંતિથી રમતાં રમતાં વહીવટ ચાલે એવી કુશળતા તેમણે દેખાડી છે.
કુમારપાળ હંમેશાં ઉત્તમના અભિલાષી રહ્યા છે. કશું જેવુંતેવું કે હલકું ગમે નહીં. Excellence તેમનું નિશાન અને તે સાચવવાનો તેમનો સદાયે પ્રયત્ન હોય. આ ગુણને લીધે અનેકાવધાની સાધકની માફક સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ-સંસ્કૃતિ એમ એકસાથે અનેક ક્ષેત્રોમાં તેમની પ્રવૃત્તિઓ ચાલે છે. આનંદની વાત એ છે કે તેમની આ પ્રવૃત્તિઓ એક યા બીજી
ધીરુભાઈ ઠાકર