________________
ગંભીર શાન્ત અને નમ્ર સ્વભાવ. માતાપિતાની શિષ્ટ સંસ્કારપ્રિય છત્રછાયામાં તેમનું ચારિત્રઘડતર થયું છે. પિતાની મૂલ્યનિષ્ઠા અને સાહિત્યપ્રીતિ અને માતાનો શીળો સ્વભાવ તથા તેમની ઉદાર વત્સલ આતિથ્થભાવના કુમારપાળને વારસામાં મળ્યાં છે.
જયભિખ્ખું એક વિશાળ કુટુંબના વડીલ હતા. કુટુંબમેળો કરીને કુટુંબના નાનામોટા પ્રશ્નોના વ્યાવહારિક ઉકેલ લાવવાની તેમને અદ્ભુત સૂઝ હતી. સંયુક્ત કુટુંબના સૌ સભ્યોને પરસ્પર પ્રેમ અને સુમેળભર્યા સદ્ભાવથી સાથે રહેવાની શીખ આપતા. તેમને ત્યાં મિત્રો અને સ્નેહીઓનો મેળો જામતો. શારદા મુદ્રણાલયમાં ધૂમકેતુ, ગુણવંતરાય, મનુભાઈ જોધાણી, કાગ બાપુ વગેરે સાહિત્યકારો ઉપરાંત કનુ દેસાઈ અને ચન્દ્ર જેવા ચિત્રકારો, પ્રકાશકો, મુદ્રકો, બ્લોકમેકર્સ, બાઇન્ડર્સ વગેરેનો ડાયરો જામતો. તેમાં ચાનાસ્તા સાથે અલકમલકની વાતોનો રંગ રેલાતો. જયભિખ્ખું સૌને પ્રેમની સાંકળે બાંધીને જરૂર પડ્યે મદદરૂપ થતા. ઊગતા લેખક કે કળાકારને પ્રોત્સાહન આપતા.
જૈન ગુરુકુલમાં તાલીમ પામેલા લેખક જયભિખ્ખએ જૈન ધર્મ અને તીર્થંકરો વિશે ઘણું લખ્યું છે, પરંતુ અન્ય ધર્મો વિશે પણ તેમને એટલો જ આદરભાવ હતો. જૈન મુનિવરોની માફક અન્ય સંતો સાથે પણ તેમને પ્રેમસંબંધ હતો. તેઓ સંપ્રદાયની વાડ કૂદી ગયેલા સંસ્કારપુરુષ હતા. તેમનાં લખાણોમાંથી નીતિ, સદાચાર અને માનવતાનો બોધ ઊપસતો. જ્યાં જ્યાં વિભૂતિમતું, શ્રીમદ્ અને ઊર્જિત જોવા મળે ત્યાં ત્યાં તેને બિરદાવવાનો મોકો તે જવા દેતા નહીં. નાના માણસનું હીર પ્રગટ કરે તેવા પ્રસંગો તેઓ પોતાની કૉલમમાં ચમકાવતા. ગરીબ કે નિઃસહાયને તેનું સ્વમાન સાચવીને મદદ કરવાનું તેમનું વલણ હંમેશાં રહેતું.
કુમારપાળનો ઉછેર આ સાંસ્કારિક માહોલમાં થયો હતો. તેમના વ્યક્તિત્વના ઘડતરમાં પિતાના ઉપર્યુક્ત સદ્ગણોના સંસ્કાર પડેલા છે. આ સંસ્કારમાં સ્વ-પુરુષાર્થ ભળતાં આજે આપણે જોઈએ છીએ તેવી સફળતા તેમને વરી છે. અભ્યાસકાળ દરમ્યાન ખંતથી પોતાના વિષયનું અધ્યયન કરવા ઉપરાંત અધ્યાપકની મુલાકાત લઈને તેને વિશે વધુ ને વધુ માહિતી એકત્ર કરવાની તેમને ટેવ હતી. એટલે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળતું. ભાષા-સાહિત્યના અભ્યાસ સાથે જૈન ધર્મ, સાહિત્ય અને રમતગમત જેવાં ઇતર ક્ષેત્રો વિશે શાસ્ત્રીય અને અધિકૃત જાણકારી મેળવવાનો શોખ તેમણે કેળવેલો છે. આ વિશિષ્ટ ઉપલબ્ધિનો ઉપયોગ ગુજરાત સમાચારની પોતાની કૉલમોમાં તે કરતા રહ્યા છે. પિતાના અવસાન પછી તેમની ઈટ અને ઇમારત' કૉલમ મહેનત કરીને પિતાના જેટલા જ સામર્થ્યથી તે ચલાવે છે. સાહિત્યક્ષેત્રે બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, વાર્તા અને ચરિત્ર ઉપરાંત સાહિત્ય-વિવેચન, સંશોધન-સંપાદન એમ વિવિધ પ્રકારની ઉત્તમ રચનાઓ તેમણે આપી છે. મધ્યકાળના આનંદઘન વિશે સંપૂર્ણ કહી શકાય એવો સંશોધન-પ્રબંધ અને હેમચંદ્રાચાર્ય વિશે સર્વાગીણ સમાલોચના તેમનાં આ ક્ષેત્રનાં સ્મરણીય પ્રદાન છે.
ભદ્રશીલ સંસ્કારસેવક