________________
બાજત અનહદ ઢોલ
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ પુસ્તક વિશે જો તમારે કંઈ કહેવું હોય કે લખવું હોય તો તે લખાણમાં તમારે તે પુસ્તકનાં અવતરણો ટાંકવાં, અને તે અવતરણોને તમે કેટલું સમજ્યા છો (કે નથી સમજ્યા) તે જણાવવું, અને તેનો સાર કહેવો. આવી એક વણલખી રસમ કે રીત છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્ર મહારાજ સાહેબનું પુસ્તક ‘ધર્મતત્ત્વચિંતન' મેં વાંચ્યું. પુસ્તકના પાને પાને લખેલા લખાણમાંથી પ્રત્યેક પંક્તિ અદ્ભુત અને અનિર્વચનીય અનુભૂતિ લાવે છે. વાંચતી વખતે એટલું તલ્લીન બની જવાયું કે આમાંથી કઈ પંક્તિ કે પછી કયા લેખમાંથી અવતરણ ટાંકું ! પારાવાર મુશ્કેલી થઈ અને અંતે મેં તે રસમને ન અનુસરવાનું નક્કી કર્યું.
ખૂબજ સામાન્ય સમજ (મારી અંગત સમજ) છે કે જેમણે આત્માની પ્રાપ્તિ માટે વીતરાગભાવે સંસાર ત્યાગ્યો હોય, જેમની વિવેકબુદ્ધિ સંપૂર્ણ જાગૃત હોય તેવા અંકિચન આત્માર્થીએ જ્યારે પોતાના જીવનનાં નિચોડમાંથી અનુભૂતિઓને શબ્દદેહ આપ્યા હોય તે વિશે શું કહી કે લખી શકાય ? પૂજ્ય સાહેબનાં પુસ્તક ‘ધર્મતત્ત્વચિંતન’નું મારા મતે તો પારાયણ જ કરાય. કારણ કે પૂજ્યશ્રીએ ધર્મ, જીવન, અધ્યાત્મ, જીવનના સંઘર્ષો વિશે જે ઝીણું ચિંતન થતું આવ્યું છે તે સહજ રીતે પાને પાને ઊતાર્યું છે. શબ્દો દ્વારા, ભાષાના માધ્યમથી પુસ્તકનો એક સુંદર ભાવ-દેહ ઘડાયો છે તેવું મને અનુભવમાં આવ્યું છે. સામાન્ય માણસની પીડા, અહંકાર, ષડ્રિપુથી કલુષિત જીવન જે દ્વિધા અને દ્વંદ્વ અનુભવે છે, અને ધર્મ તથા અધ્યાત્મ તેવા જીવને કઈ રીતે શાતા પહોંચાડી શકે તેનું સુંદર નિરૂપણ પૂજ્યશ્રીએ આ પુસ્તકના પાને પાને કર્યું છે.
આત્માનુભૂતિના ચમકારા પણ તાદૃશ્ય ઝીલાય છે તે અનુભવ્યું. કહેવાતી નાની ઘટનાઓ આપણા જીવનમાં કેવો ભાગ ભજવે છે, આપણી મનઃસ્થિતિને