________________
૧૫
આજે બે વાતો ખાસ કરવી છે. એક, પર્યુષણાપર્વ એટલે કે સંવત્સરી મહાપર્વને અનુલક્ષીને મૈત્રીભાવ અને ક્ષમાપનાની વાત. જૈન શાસનનો આ શાશ્વત અને અમોઘ સંદેશ છે કે સહુ સાથે મૈત્રીભાવ કેળવો, અને સૌ સાથે એવી રીતે ક્ષમાપના કરો કે કોઈ આપણું દુશ્મન જ ન રહે. મિત્રતા તેની જ સાથે રચાય, જેના પ્રત્યે કોઈને કોઈ કારણસર આપણને લગાવ થાય, મમતા બંધાય. જેના પ્રત્યે મમતા બંધાય તે મિત્ર, અને જેના પ્રત્યે મમતાને બદલે અલગાવ જાગે તે શત્રુ,
આ એક સાદું સમીકરણ છે. અને, આપણે જોઈએ કે આપણી મમતાને પાત્ર લોકો વધારે છે કે આપણા અલગાવને પાત્ર લોકો વધારે ?સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આપણા હૈયામાં સદ્ભાવનું પ્રમાણ વધારે છે કે દુર્ભાવનું ? જવાબો અણધાર્યા અને ચોંકાવનારા મળી શકે.
માણસમાત્રની બિમારીઓનું મૂળ તેના મનમાં છે, એવું કહેવા માટે હવે તબીબ હોવું કે મનોવિજ્ઞાની હોવું જરૂરી નથી. વ્યાધિ ભલે શરીરમાં થતો – પ્રસરતો હોય, પણ તેનું નિદાન આપણા બગડેલા, કોહવાયેલા કે દુર્ભાવનાઓથી છલકાતા મનમાં અથવા આસપાસના તે પ્રકારના ગંધ વાતાવરણમાં છે, એમ કહેવામાં જરા પણ જોખમ લાગતું નથી.
આનો અર્થ એ થયો કે જો મનને દુરસ્ત, પ્રફુલ્લિત અને સદ્ભાવનાથી છલકાતું રાખીએ, તો ૭૦ થી ૮૦ ટકા બિમારીઓ કાં આવે નહિ, કાં વધે - વકરે નહિ, કાં મટી શકે. અને આથી આપણે એવું સમીકરણ બાંધી દઈએ કે મિત્રતાસભર મન બરાબર તન્દુરસ્તી અને શત્રુતાથી ઉભરાતું મન એટલે તનાદુરસ્તી, તો તે અશાસ્ત્રીય કે અયોગ્ય નહિ ગણાય.
અણગમો તે શત્રુતા છે. અરુચિ અને અલગાવ તે શત્રુતા છે. અમુકને જોઈને મોં વંકાય કે અમુકની સાથે જવાનું – જમવાનું – બેસવાનું – ૨હેવાનું આવે તો મનમાં ત્રાસ વર્તાય તો તે શત્રુતા છે. તિરસ્કાર તે શત્રુતા છે, તો દુર્ભાવના-સામાનું સારૂં ન થાય તેવી ભાવના તે પણ શત્રુતા છે. બીજાની ભૂલો જ જોયા કરવી તે શત્રુતા છે, અને કોઈ પોતાની ભૂલ કબૂલે તો પણ તેને માફ ન કરવામાંય નરી શત્રુતા જ છે. શત્રુતાથી ભરેલું મન એટલે Negativity થી ઉભરાતું મન. પર્યુષણ પર્વ આપણને સૌના મિત્ર - સર્વમિત્ર થવાનું શીખવાડે છે. સર્વમિત્ર એટલે એવો જન