________________
208
શ્રુતજ્ઞાન નામના સેનાપતિની દોરવણી હેઠળ ચાલતું ચરણસત્તરી – કરણસિત્તરીનું વિરાટ સૈન્ય, અધ્યવસાયોરૂપી સુભટો– આ બધો જબરો રસાલો છે.
તો સામે મોહરાજા પણ ભરપૂર તૈયારી સાથે મેદાને ચડ્યા છે. એની માયા નામની પ્રિયા છે, બન્ને હાસ્યાદિષક (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વડે બનેલા) નામના ૨થ પર આરૂઢ છે. કામદેવ નામનો પુત્ર, લોભ-મંત્રી, ક્રોધ નામે સુભટ, મિથ્યાત્વ નામે મંડલેશ્વર, તેના સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય નામના બે નાના ભાઈઓ, માન નામે હાથી ઇત્યાદિ રસાલો તેની સાથે છે.
બન્ને જૂથો વચ્ચે લડાઈ તો ચાલી જ હોય, અને તે જોરદાર ચાલી હોય, તેમાં શંકા નથી. આ લડાઈનો જીવંત અણસાર મેળવવો હોય તો, ભગવાન બુદ્ધના ‘માર-વિજય’ પ્રસંગનું ચિત્ર (મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે) જોવું - સમજવું પડે. પરંતુ, લાગે કે ધર્મરાજાને જરા ઉતાવળ આવી ગઈ હશે. તેમણે જરા ટૂંકો અને વધુ અહિંસક રસ્તો અપનાવ્યો. તેમણે જોયું કે, મોહરાજાનું કાયમી રહેઠાણ મારું ‘મન' છે. આ મન જ મોહનો નિકટનો અને વફાદાર રખેવાળ છે. એટલે તેમણે એ ‘મન’ ને પોતાની નિપુણતા વડે ફોડી નાખ્યું, અને મોહરાજાના પક્ષમાંથી પોતાના પક્ષમાં ખેંચી લીધું. મોહરાજાને જેવી આ વાતની ખબર પડી કે એ જ ક્ષણે ‘મોહ તે ભાગ્યો જાય’.... જેના જોરે અને વિશ્વાસે મોહ ટકવાનો હતો તે ‘મન' જ બદલાઈ જાય, પછી તે બાપડો ભાગે નહિ તો કરે પણ શું?
અને એ જોતાં જ ધર્મરાજા-વીરપ્રભુએ ઉત્કૃષ્ટ શુક્લધ્યાન ધરવારૂપે કેસરિયા કરી મોહરાજાનો પીછો પકડ્યો. એવો પીછો પકડ્યો અને ભગાડ્યો કે ફરી કદીયે એમની દિશા તરફ નજર પણ ન કરે ! આ કેસરિયા કરવાના ફળમાં તેમને કેવળજ્ઞાનની વિજયમાળા વરી, અને ખુદ વસંતઋતુ પણ તેમના ગુણગાન ગાવા માંડી.
કેવી અદ્ભુત છે કવિની કલ્પના ! કેવી મીઠી લાગે છે એ ! તો આપણી પૂજાઓમાં આવા તો કંઈક ભાવો ભરી દીધા છે આ સાધુચરિત કવિવરોએ. એને ગાવ તો ભક્તિ થાય, સંગીત સધાય અને શાસ્ત્રો પણ સમજાય – એમ ત્રેવડો લાભ
થાય.
આ વર્ણન સાંભળીને અહીંના શ્રોતાઓ તો ઝૂમી ઉઠ્યા, પણ તેવો લાભ અને ભાવ તમને બધાયને પણ મળે તે આશયથી આ બધું આ પત્રમાં ઉતારી વાળ્યું. ગમતાંનો ગુલાલ કરવામાં જે મોજ છે, તે ગમતું છૂપાવી રાખવામાં નથી જ.
તો પૂજાઓમાં રસ વધારજો. હા-હૂ વાળી ભક્તિથી બચવાની ભાવના કેળવજો. અને નિર્મળ ધર્મ અને ભક્તિમાં મનને જોડજો.
(પોષ-૨૦૫૯)
ધાર્મિક