________________
૩૯ આ વખતે વિરતિધર્મ - વ્રત વિશે વાત કરવી છે. હમણાં (૧૯-૧-૩) જ અત્રેના ઉપાશ્રયમાં લગભગ ૯૦ ભાવિકોએ શ્રાવકધર્મોચિત ૧૨ વ્રતો વગેરેનું વિધિસહિત ગ્રહણ કર્યું, જેમાં ત્રીસેક પુરુષો હતા. તે અગાઉ, કાર્તિક માસમાં પણ નાણ મંડાવીને ચાલીસેક યુવાન ભાવિકોએ વ્રતો ગ્રહણ કર્યા હતાં. હજી પણ વ્રતનિયમો ગ્રહણ કરનાર વર્ગ તૈયાર થઈ જ રહ્યો છે.
પ્રભુનું શાસન મુખ્યત્વે વિરતિનું શાસન છે. પ્રભુનો મુખ્ય ઉપદેશ સાધુધર્મ કે સંયમ અંગીકાર કરવાનો હોય છે, અને પછી તેના વિકલ્પ શ્રાવક ધર્મના સમ્યક્ત્વમૂલક ૧૨ વ્રતો ગ્રહણ કરવાનો પ્રભુનો ઉપદેશ હોય છે. અસંખ્ય પુણ્યાત્માઓએ, સંયમધર્મ ગ્રહણ કરવાની અશક્તિને કારણે, શ્રાવકોચિત વ્રતો અંગીકાર કરીને, આત્માનું કલ્યાણ સાધ્યું છે, અને જિનશાસનને અજવાળ્યું છે.
ઉપધાન, પ્રતિષ્ઠા, ચૈત્યનિર્માણ, સંઘયાત્રા ઇત્યાદિ અનેક અનુષ્ઠાનો આપણે ત્યાં થાય છે. તે બધાં શાસનની પ્રભાવનાને કેન્દ્રમાં રાખીને થતાં હોય છે. તેમાં આત્મસાધના કે ધર્મારાધના નથી તેમ નથી, પણ આજના વિષમ કાળમાં શાસનપ્રભાવના કે સંસ્કૃતિરક્ષાની તુલનામાં તે મુદ્દા બહુલતાએ ગૌણ બનતા અનુભવાય છે.
જયારે વ્રત ગ્રહણ કરવારૂપ અનુષ્ઠાનનું એક જ લક્ષ્ય હોય છે. જીવનશુદ્ધિનું અને આત્મહિતનું. તેમાં બીજા આડંબરો, વાહ વાહ, શિલાલેખો, પ્રશંસાપત્રો તથા કંકોત્રીઓને લેશ પણ અવકાશ નથી હોતો. તમે વ્રત વ્રતો ગ્રહણ કરો, અને પાપ પાપોથી જાતને બચાવો. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ, અભ્યશ્યલક્ષણ, હિંસક વ્યાપાર-વ્યવસાય, અનર્થદંડ વગેરે વગેરે પાપકાર્યોથી પોતાના આત્માને બચાવવો, એ જ માત્ર ધ્યેય કે ભાવ, વ્રતગ્રહણ પાછળ હોય છે. તેમાં એક બાજુ તો આપણા દ્વારા થતી પર્યાવરણીય હાનિમાં ઘટાડો થાય છે, તો બીજી બાજુ આપણાં ચિત્તની તથા જીવનની, નિરર્થક પાપો થકી રક્ષા પણ થાય છે. કશું જ કરવાનું નથી કરવાનો છે માત્ર ત્યાગ. તમે ત્યાગ કરો, છોડતાં શીખો, અને તમે ધર્મપરાયણ તેમજ નિષ્પાપ બની રહો! અન્ય અનુષ્ઠાનોમાં તો ધનવ્યય પણ કરવાનો રહે, આ આરાધનામાં ધનવ્યયની તો જરૂર નથી જ, બલ્ક નિર્ધન જીવ પણ આમાં પૂરા અધિકારપૂર્વક જોડાઈ શકે છે.
તમે બધાએ કોઈને કોઈ, ધન વડે થઈ શકે તેવાં અનુષ્ઠાનો કર્યા અને કરાવ્યાં