________________
ભાવભીના કંઠે પૂજાઓ ગાઈ, અને પૂજામાં આવતી ‘ભવિ તમે સરસ સુકંઠે શ્રીજિન આગમ ગાવજો રે લોલ” એ પંક્તિને ચરિતાર્થ કરી. સાથે શ્રોતા ભાવિકોને પણ આ પૂજા – ગાનમાં જોડ્યા. સાથે સાથે પ્રત્યેક પૂજા પછી આગમ વિશે સમજાવવામાં આવ્યાથી લોકોને ખૂબ તલ્લીનતા થઈ. ત્રીજા દિને મોહનીયકર્મનિવારણ પૂજા રાખેલી. આ પૂજા જવલ્લે જ હવે ભણાવાય છે. આપણા બની બેઠેલા સંગીતકારોને તથા મહિલામંડળોને મહદંશે ત્રણ-ચાર પૂજાઓ જ ફાવતી હોય છે. સંગીતકારોને તો પૂજા ભણાવવાનું જ ક્વચિત બને છે. પૂજનો અને ભક્તિના નામે ચાલતાં નાચગાન અને હલકી કક્ષાનાં ગીતોના સથવારે લોકોનું મનોરંજન તથા પૈસાની આવક - આટલું જ હવે જોવા મળે છે. શુદ્ધ, સાત્ત્વિક અને પરિણતિને પોષક ગાન-ભકિત હવે ક્યાં રહી છે? લાગે છે કે આપણે બધું ગુમાવી બેઠા ! મહાપુરુષોએ રચેલી સંગીતમય પૂજાના અસલ દેશી ઢાળો અને રાગો જાણનારા-ગાનારા આજે કેટલા મળે? રડ્યા ખડ્યા કોઈ જડે તો જડે. અને એવા કોઈક જડી પણ આવે તો સાંભળવાવાળા કયાંથી લાવવા? પરિણામે એક ભવ્ય અને દિવ્ય વારસો આપણાં હાથે જ આપણી સામે જ નષ્ટ થઈ જવાનો. કેવું કષ્ટદાયક છે આ ! તો અમે મોહનીય કર્મ નિવારણ પૂજા ભણાવી. આ પૂજાની છેલ્લી ઢાળમાં એક અદ્ભુત રૂપક “શ્રીગુભવીરજી મહારાજે વર્ણવ્યું છે. એ રૂપકની વાત ઉપસ્થિત સૌનાં મનને ડોલાવી ગઈ. એ ઢાળનો ઉપાડ આમ છેઃ
મોહ મહીપતિ મહેલ મેં બેઠે, દેખે આવ્યો વસંત લલના, વીર નિણંદ રહે વનવાસે, મોહસે ન્યારો ભગવંત લલના
ચતુરા કે ચિત્ત ચન્દ્રમાં હો...” વસંત ઋતુમાં ખેલાતા ફાગનો માહોલ છે, અને “ધમાલ' પ્રકારની ગાયનરીતિ છે. આમાં પ્રભુવીર અને મોહરાજા એ બેય સમ્રાટો પોતાના રસાલા સાથે સામસામે હોળી-યુદ્ધ ખેલવા ચાલ્યા છે. બે વચ્ચે મનભર મુઠભેડ થાય છે અને છેવટે ધર્મરાજા વીરની જીત થાય છે તેનું સુરેખ અને ઉત્તેજક વર્ણન થયું છે. વીરપ્રભુની કઠોર આત્મસાધનાનું પણ આવું રંગીલું - મનભાવન - વિસ્મયપ્રેરક વર્ણન માત્ર “શુભવીર” જેવા રસિક કવિ જ કરી શકે.
એક પંક્તિમાં “વસંતનું માદક વર્ણન આપીને કવિ લાગલા જ હોળી યુદ્ધની યૂહરચનાની વાત પર આવી જાય છે. જાણે કે વીરપ્રભુ નામના ધર્મરાજ - રાજવી છે. આર્જવ - ઋજુતા નામની તેમની ગોરી ગોરી પ્રિયતમા છે. શીલાંગ-રથ ઉપર તે બંને આરૂઢ થયાં છે. સાથે સંતોષ નામનો મહામંત્રી, સમ્યત્વ નામે માંડલિક રાજા-મંડલેશ્વર, પાંચ મહાવ્રત નામના સામંત રાજાઓ, માર્દવ નામનો ગજરાજ, ;