________________
કવિ પંડિત શ્રીગુભવીરની એક ભકિત-રચના છેઃ “ઓચ્છવ રંગ વધામણાં પ્રભુ પાર્થને નામ”. નાની નાની ત્રણ કડીની આ રચના અભુત છે, ભક્તિના નિર્મળ ઉલ્લાસની પ્રેરનારી છે, અને ભાવક હૈયાંને ભક્તિના આનંદમાં તરબોળ કરી મૂકનારી છે. આપણે ત્યાં સ્નાત્ર કે પૂજા પૂર્ણ થયા બાદ આ રચના ઘણા ભાગે ગવાતી હોય છે. આમાં એક પંક્તિ આ પ્રમાણે આવે છે: “સાચી ભક્ત સાહિબા, રીઝો એક વેળા મને હમેશાં સવાલ થાય કે, આ “સાચી ભક્તિ' વળી શું હશે? ભક્તિ તો ભક્તિ જ હોય અને સાચી જ હોય, એને માટે “સાચી' શબ્દનો પ્રયોગ શા માટે કરવો પડે? શું ભક્તિના પણ બે પ્રકાર હશે? એટલે તે બીજા પ્રકારથી જુદી પાડવા માટે “સાચી' એવું વિશેષણ જોયું હશે? તો એ બીજો પ્રકાર કયો હોય?
સ્વાભાવિક રીતે જ સમજાય કે “ખોટી ભક્તિથી બચવા અથવા જુદી પાડવા માટે જ અહીં “સાચી' એવું વિશેષણ અપાયું છે. અર્થાત્ ભક્તિ કાયમ સાચી જ હોય એવું નથી. ક્વચિત્ (કે પછી બહુલતાએ) એ ખોટી પણ હોઈ શકે.
સાચી ભક્તિ થાય તો “સાહેબ” રીઝે જ, અને એ જો રીઝે તો આપણે એટલે કે ભક્તજન અહીં-સંસારની માયાજાળમાં અટવાય નહીં જ; એનું ભવભ્રમણ અવશ્યમેવ અટકી જાય. સાચી ભક્તિની આ એંધાણી છે, અને આ એનું પરિણામ પણ છે.
આપણે હજીયે ભવની જંજાળમાં અટવાયા પડ્યા છીએ, અને એ જંજાળ જ આપણને અતિશય વ્હાલી લાગે છે. જંજાળ વ્હાલી લાગે છે એનો અર્થ એ કે હજી આપણને “સાહેબ” વહાલા નથી લાગ્યા. ઓછામાં ઓછું, જંજાળ જેટલા વ્હાલા તો નહીં જ. એનો મતલબ એટલો કે આપણા પર હજી “સાહેબ” રીઝયા નથી. અને એનું સીધું કારણ એક જ, આપણી ભક્તિમાં હજી સચ્ચાઈ આવી નથી, આપણી ભક્તિ કાચી છે, ખોટી છે. સાચી હોત તો આપણા દેદાર આવા ન હોત એ નક્કી.
આપણને સ્નેહ પણ સાચો કરતાં આવડતું નથી, તો ભક્તિ સાચી શી રીતે આવડે? આપણા સ્નેહમાં પણ સ્વાર્થ ભર્યો હોય છે. લોલુપતા, લાલસા, અપેક્ષા, આસક્તિ જેવાં તત્ત્વો છલકાતાં હોય તેવા સ્નેહમાં ક્ષુલ્લક સ્વાર્થ સિવાય બીજું સંભવે પણ શું? સ્વાર્થ મુક્ત અને નિરપેક્ષ અને કેવળ કલ્યાણકામનાથી મહેક્તો સ્નેહ એ આ સંસારની, કલ્પવૃક્ષ જેવી, દુર્લભ પણ મહામૂલી જણસ છે. આવો