________________
ધર્મ એટલે શું? એ મુદ્દા પર ઘણી ઘણી મથામણ ચાલતી રહે છે. હમણાં એવું હુરે છે કે જેનાથી, જે કરવાથી, વૃત્તિઓનું પરિવર્તન થાય તેનું નામ ધર્મ. મન એ અગણિત શુભ-અશુભ વૃત્તિઓનો અખૂટ સ્રોત છે અને ભંડાર પણ છે. પરંતુ તેમાંથી વધુમાં વધુ ઉપયોગ તો અશુભ અથવા મલિન વૃત્તિઓનો જ થતો રહે છે. એ અશુભ વૃત્તિઓનું શમન અથવા નિવારણ થાય અને શુભ વૃત્તિઓનું અનાવરણ થાય, તો જ વૃત્તિ-પરિવર્તન થયું ગણાય; એ કામ જે કરી આપે તેનું નામ ધર્મ.
આપણે ત્યાં પ્રવૃત્તિઓનું પરિવર્તન સતત થતું રહે છે. નિત્ય નવી નવી, ધાર્મિક ગણાવાતી પ્રવૃત્તિઓ ઉભરાયા જ કરે છે. પ્રવૃત્તિ ન હોય તો થાક લાગે છે. ધર્મ ખાડે ગયો હોવાનું લાગવા માંડે છે. અને પ્રવૃત્તિ હોય તો ધર્મનો ઉદ્યોત થતો અનુભવાય છે, જય જયકાર લાગે છે. આમ તો આમાં કાંઈ ખોટું નથી લાગતું, પણ મોટો સવાલ એટલો જ થાય કે વૃત્તિઓનું શું? પ્રવૃત્તિમાં જ એટલા બધા મશગૂલ બની જવાય છે કે પછી તે પ્રવૃત્તિઓ દ્વારા વૃત્તિઓમાં કોઈ પરિવર્તન આવે છે કે નહિ, તે જોવા-સમજવાની જગ્યા જ નથી રહેતી, અને દરકાર પણ નથી રહેતી. પરિણામે પ્રવૃત્તિઓ થતી રહે છે, વધતી રહે છે, થકવતી રહે છે, પણ વૃત્તિઓ તો જેમની તેમ રહે છે.
પ્રવૃત્તિમાર્ગની એક ખૂબી એ છે કે, તેનો છંદ લાગ્યા પછી મહદંશે વિચારવાની શક્તિ અને તક-બને નહિવત બચે છે. પ્રવૃત્તિ અને પ્રવર્તક પ્રવૃત્તિ માટે પ્રેરનાર) – બન્નેનું લક્ષ્ય પણ આ જ હોય છે કે, પ્રવૃત્તિમાં વ્યક્તિને/સમૂહને એવો તો જોડેલો રાખવો કે તેને વિચાર કરવાની જગ્યા જ ન રહે, ન મળે. વિચારે. તો આઘોપાછો થાય ને? તો દલીલ કે સવાલ કરે ને? એને એવી તક જ ન મળવી જોઈએ. અને તો પછી એ જેમ પીએ તેમ કરવાનો જ.
આ સ્થિતિ એવી છે કે, એમાં વૃત્તિઓનું દમન થશે, પણ શમન નહિ થાય. વૃત્તિઓ દબાશે ખરી, પણ નાબૂદ નહિ થાય, બદલાશે પણ નહિ. અહીં સવાલ એટલો જ આવે છે તો એ પ્રવૃત્તિને ધર્મ ગણાય ખરી? ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ આખરે વૃત્તિઓના પરિવર્તન માટે જ હોવી જોઈએ એવું જો આપણે સ્વીકારતાં હોઈએ, તો ધર્મની ગણાવાતી જે પ્રવૃત્તિથી મનની મલિન વૃત્તિઓનું સંમાર્જન અને પરિવર્તન ન થતું હોય, તે પ્રવૃત્તિને ધર્મ-પ્રવૃત્તિ શી રીતે ગણી શકાય?
આ સવાલ જરા પેચીદો છે. ઊંડો વિચાર માંગી લેતો આ સવાલ એ છે. આપણે સહુ વિચારતા થઈએ તે માટે જ રજૂ થતો આ સવાલ છે.
(માગશર-૨૦૬૨)
ધર્મચિન્તના