________________
વર્ષ આવે છે અને જાય છે. વર્ષ રહે તેમ આપણી ઉંમર વધતી જાય છે. ઉંમર વધે છે તેમ શક્તિ તથા ક્ષમતાઓ ઘટે છે. સ્કૂર્તિ તથા ઉત્સાહ પણ તેની સાથે જ મંદ પડતાં જાય છે. આમ છતાં મન નબળું નથી પડતું. મનની વાસનાઓ, લોલુપતાઓ, ઇચ્છા તથા આસક્તિઓ, આગ્રહો અને પૂર્વગ્રહો, અભિમાન અને જડ પક્કડો – આ બધું જ, ઉંમરના વધવા સાથે વધતું જ રહે છે, ઘટતું નથી. આ બધું વધતું જ રહે, ઘટવાનું નામ ન લે, તો આપણે ઉંમરલાયક થવા છતાં “લાયક’ બન્યા છીએ એવું ન કહેવાય. ઉંમરની સાથે સાથે લાયકાત પણ જો વધે તો જ આપણે ઉંમરલાયક ગણાઈએ. નહિ તો ચતુર લોકો કહેશે કે ભાઈની ઉંમર ભલે વધી હોય, પણ લાયકાત નથી વધતી!
આપણે ત્યાં એક પ્રથા છે : નૂતન વર્ષે કોઈક શુભ સંકલ્પ કરવાની પ્રથા. ઘણાબધા લોકો આવા દિવસે કોઈને કોઈ શુભ સંકલ્પ કરતાં હોય છે, અને તેમાંના ઘણા લોકો તે સંકલ્પને પાર પણ પાડતા હોય છે. આ બહુ મજાની પ્રથા છે. આપણે બધા પણ આ પ્રથાને અનુસરીએ તો કેવી મજા આવે!
તો નવા વર્ષે શું સંકલ્પ કરશો? એક વાત બરાબર નોંધી લેવાની છે કે સંકલ્પ ગમે તે હોય પણ તેનો અર્થ એક જ હોવો જોઈએ કે તેના થકી આપણી લાયકાત વધે અને આપણા જીવનની અશુદ્ધિઓ ઘટે. આટલું સમજાયા પછીનો કોઈપણ સંકલ્પ ફળદાયક જ હોવાનો.
આપણે સંકલ્પ કરીએ કે વીતેલાં વર્ષોમાં જેની પણ સાથે અણબનાવ થયો હોય કે ક્લેશ કર્યો હોય, તેની સાથે મૈત્રીનો વ્યવહાર હું કરીશ. ક્લેશનું કારણ એ પણ હોય અને આપણે પણ હોઈએ, ગમે તે હોય, પણ તે ક્લેશને હું હવે મિટાવીશ અને સ્નેહભાવ વધે તેવો યત્ન કરીશ.
આપણે સંકલ્પ કરીએ કે કોઈના પણ માટે હું પૂર્વગ્રહપ્રેરિત તથા ઈષ્યપ્રેરિત માન્યતા નહિ બાંધું અને તેવી માન્યતાથી પ્રેરિત વ્યવહાર નહિ રાખું. વળી, આવી માન્યતા તથા વ્યવહાર હશે તેને હું હવે ટાળી દઈશ.
આપણે સંકલ્પ કરીએ કે હું બધાય સાથે મીઠો વ્યવહાર રાખીશ. વૈષભાવથી કોઈની ભૂલ નહિ કાઢે, કોઈના દોષ નહિ જોઉં. હા, સામી વ્યકિતનું હિત થાય તેવું હોય અથવા તેનું અશુભ થતું અટકતું હોય તો જરૂર તેની ભૂલ તેના ધ્યાન પર લાવીશ. પણ અન્ય કોઈ વૃત્તિથી નહિ વર્તુ.
નવા વર્ષે કરેલો આવો સંકલ્પ આપણા નવા આખા વર્ષને જ નહિ, પણ આપણા આખા જીવનને તથા આપણા મનને પણ સુધારી દેશે, એમાં શંકા નથી. ચાલો, જીવનશોધનના આ યજ્ઞકાર્યથી નૂતન વર્ષનો શુભ પ્રારંભ કરીએ.
(માગશર-૨૦૬૨)
પ્રાર્થના