________________
શુભ પરિણામો તો મળે જ, પણ અણધારી આફતો પણ ટળે. સંતો, આવી સાત્ત્વિક ઇચ્છાઓને “પ્રાર્થના' ના નામે ઓળખાવે છે.
સાચુકલું હૈયું ધરાવતા સત્ત્વશીલ સર્જનો અને સાધુ-સંતો જો એક સૂરે પરમાત્મ તત્વ પ્રત્યે પ્રાર્થના પાઠવે, કરગરે, કાકલૂદી કરે, તો પરમ તત્ત્વ અને પ્રકૃતિએ તે પ્રાર્થનાની નોંધ લેવી જ પડે અને તેનો સાનુકૂળ પ્રતિભાવ પણ પાઠવવો જ પડે – એ તો અનુભવસિદ્ધ હકીકત છે.
વેર, વૈમનસ્ય, મારા-પરાયાના ભેદભાવ, કદાગ્રહ, કુટિલતા, સ્વાર્થ પરસ્તી, આ બધાં મલિન તત્ત્વોથી મુક્ત હૈયું. પોતાનું બગાડનારનું પણ કલ્યાણ ઝંખતું તે સાચુકલું હૈયું. આવું હૈયું જેની પાસે હોય તે દરેક વ્યક્તિએ. માનવજાત માટેના દુઃખના આ દહાડામાં એક પ્રાર્થના અવશ્ય અને નિત્ય કરવા યોગ્ય છે
“સૌનું કલ્યાણ થજો! કોઈનુંય અકલ્યાણ ન થજો! જગતમાં ક્યાંય અમંગળ અને નકારાત્મક કોઈ ઘટના ન બનજો! બધાંજ અમંગળ તત્ત્વો શમી જજો અને પરમકરુણાવંત પરમાત્માની અક્ષય કરુણાની અમીવર્ષા સૌ જીવો ઉપર અનરાધારઅવિરત વરસજો! તેના પ્રભાવે સૌ કોઈ સુખી થજો ! દુઃખ અને કરુણ આપત્તિઓથી મુક્ત બનજો! હું સાચા હૃદયથી સર્વનું કલ્યાણ, મંગળ અને શુભ ચાહું છું, ભગવાનની કૃપાથી સૌનું નિરંતર શુભ હજો!”
આ પ્રાર્થનાના શબ્દો અને તે બોલતી વેળા હૈયામાં ચૂંટાતા ભાવો, આપણા હૈયાને સાચુકલું બનાવશે, અને એ સાથે જ એ આપણી પ્રાર્થનાને ફળીભૂત કરશે, એવી શ્રદ્ધા જ, આ ક્ષણે, આપણા માટે, શાતાદાયક છે.
(કાર્તિક-૨૦૧૨)