________________
સં. ૨૦૬૪નું વર્ષ વહી ગયું. ઘણાં ઘણાં દુઃખદ સ્મરણોનાં જખમો છોડતું ગયું છે એ વર્ષ! રાષ્ટ્ર, રાજ્ય અને સમાજની પ્રત્યેક વ્યક્તિએ એક યા બીજી રીતે, સીધી કે આડકતરી રીતે, આ વીતેલા વર્ષ દરમ્યાન કાંઈકને કાંઈક કષ્ટ, કઠિનાઈ કે દુઃખદ સંવેદનાઓ વેક્યાં છે તેમાં બેમત નથી.
આજે આપણે દેવાધિદેવના શ્રીચરણોમાં મન - વાણી – કાયાથી ઉપસ્થિત થઈને પ્રાર્થના કરવાની છે કે હે પરમકરુણાનિધાન! હવે તો આપની કરુણા સર્વત્ર સૌ કોઈ ઉપર અનરાધાર વરસાવો! હવે અમે આ હિંસાનાં, મોતનાં, માનવતાની અને ધર્મની અવહેલનાના તાંડવો જોવા માટે શક્તિમાન નથી રહ્યા ! અમને સુખ મળે કે ના મળે, પણ શાંતિ, આપની કૃપાથી, અવશ્ય મળજો ! અમને અમારા પર આવી પડતાં દુ:ખોને સહન કરવાનું બળ મળો, પણ બીજા ઉપર, માનવતા ઉપર અને સમગ્ર પ્રાણીગણ ઉપર આવતાં દુઃખો દૂર કરવાનું બળ પણ તેની સાથે જ આપજો !
ભગવંત! કોઈના દુઃખે દુઃખી થવાની મારી ક્ષમતા હું ગુમાવી બેઠો છું. આ વર્ષે મારા પર એવી કૃપા વરસાવો કે હું એ ક્ષમતા પાછી હાંસલ કરું, અને બીજાનાં દુઃખને મારું દુઃખ ગણી તેનું નિવારણ કરવા મચી પડું. ઓછામાં ઓછું, બીજા કોઈને દુઃખી કરવામાં તો મારી આવડત અને શક્તિનો દુરુપયોગ ન જ કરું !
આવી ભાવના ભાવવાનો સીધો અને મોટો લાભ એ હશે કે ઓછામાં ઓછું, આ ભાવનાને કારણે, આપણું વરસ તો મંગલમય અને આનંદમય રીતે પસાર થશે જ. ઉત્તમ ભાવનાથી ઉભરાતું હૈયું સ્વયં મંગલસ્વરૂપ બની જાય છે. અને તેવી ભાવનામાં રમતો માણસ જ્યાં પણ જાય ત્યાં વાતાવરણ મધુર અને મંગલકારી આપોઆપ બની જતું હોય છે. આજે આપણે સંકલ્પ કરીએ :
અમે જ્યાં પણ જઈશું ત્યાં શોક, ઉદ્વેગ, વ્યાકુળતા અને અશાંતિ નહિ રહેવા દઈએ. અમારી મંગલ ભાવનાના વાતાવરણને બધે જ પ્રસરાવીશું અને ઉદ્દેગને સ્થાને આનંદ તથા અશાંતિના સ્થાને શાતા પ્રગટાવીશું. પરમાત્માની કૃપાથી અમારો આ શુભ સંકલ્પ સદા સફળ હજો !
(કાર્તક-૨૦૧૫)