________________
વિ. સં. ૨૦૩૩ મહા સુદ ૬ મર્ચન્ટ સોસાયટી, અમદાવાદમાં પણ ખૂબ જ સુંદર વાચનાનું આયોજન થયું. આ વાચનાનું મૂળસ્ત્રોત પૂજ્ય બુદ્ધિસાગરસૂરિ મ.ના સમુદાયના પૂ. પં. શ્રી ભદ્રસાગરજી મ. હતા. આ વાચનામાં પૂજ્ય પંન્યાસ શ્રી પ્રબોધસાગરજી મ., પૂ. પંન્યાસ શ્રી સૌભાગ્યસાગરજી મ. પૂ. તત્ત્વવિશારદ મુનિરાજ શ્રી લલિતાંગસાગરજી આદિ વિશાળ શ્રમણ સમુદાય તથા એથીય વિશાળ શ્રમણીવૃંદ હતું. શ્રાવક અને શ્રાવિકાની સંખ્યા પણ ધ્યાનાકર્ષક હતી.
આ વાચનામાં મહા સુદ-૧૨ સુધી શ્રી સમવાયાંગ સૂત્ર મૂળ સાથે ચાલ્યું, તે પછી શ્રીમદ્ ભગવતીસૂત્ર પ્રથમ શતક સુધી અને તે પછી વાચના તો ચાલુ રહી પણ સ્થાન બદલાયું. શહેરમાં આંબલીપોળના ઉપાશ્રયમાં બીજું-ત્રીજું શતક સંપૂર્ણ વિવેચન સાથે થયું. આ વાચના મહા વદ-૧૩ સુધી ચાલી એટલે લગભગ સવા મહિના સુધી વાચના ચાલી.
વિ. સં. ૨૦૩૩નું ચાતુર્માસ પૂજ્યશ્રીનું સુરત મુકામે ગોપીપુરા વાડીના ઉપાશ્રયે થયું. પોતાના ગુરુદેવથી અલગ ચોમાસુ આ એક જ થવા પામ્યું છે. (અલગ ચોમાસાના આયોજનપૂર્વક). આ આખું જ ચોમાસુ પૂજયશ્રીની નિશ્રામાં ધમધમતું પસાર થયું. શાસનપ્રભાવક અનેક કાર્યો થયાં પણ એમાં આગમ-વાચના મુખ્યતયા તરી આવતી હતી.
સુરતીલાલાઓને પૂજ્ય આગમોદ્ધારક સાગરજી મ. પછી પ્રથમ વાર જ આવો અવસર સંપ્રાપ્ત થયેલો હોવાથી ઘણો જ ઉમંગ હતો. આગમ-વાચના પૂર્વે ભવ્ય આગમ-યાત્રા નીકળી હતી. એમાં ચાર ઘોડાની બગીમાં પિસ્તાલીસ આગમ પધરાવવામાં આવ્યા હતા. આગમપુરુષની પણ સ્થાપના કરવામાં આવી હતી. અષાઢ વદ-રથી કા. સુ. પ સુધી આ વાચના પ્રવાહ ચાલેલો.
વાચના-ખંડને સુરતીઓએ વિવિધ ચિત્રપટ આદિથી ખૂબ સારી રીતે સજાવેલો. વાચનાના અર્ધા કલાક પૂર્વથી શ્રોતાવર્ગનો ધસારો ચાલુ થઈ જતો. આગમના તાત્ત્વિક પદાર્થોને ઝીલવા માટે પણ સુરતીલાલાઓનો આવો રસ નિહાળવાથી પૂજ્યશ્રી પણ ઘણા જ ઉત્સાહિત હતા.
પ્રતિદિન વાચના બે સમય ચાલતી.
સવારે ૮.૩૦થી ૧૦.૧૫ એમાં શ્રી ભગવતીસૂત્રનું વાંચન થતું. એમાં પણ પ્રતિદિન ૧૦૮ ચોખાના સાથિયા ૧૦૮ ફળ, ૧૦૮ નૈવેદ્ય આદિ મૂકવાનું બહુમાનપૂર્વક થતું અને બપોરે ૨.૧૫થી ૩.૩૦ સુધી શ્રી નંદિસૂત્રની વાચના થતી. શ્રા. સુ. રના રોજ નંદિસૂત્રની વાચના પૂર્ણ થતાં દેશપયાની વાચના શરૂ થઈ એમાં ચઉસરણ અને આઉર પચ્ચક્ખાણ ઉપર ખૂબ જ વિસ્તારથી છણાવટભર્યું વિવેચન થયું હતું. વાચનાનો આ સિલસિલો જ્ઞાનપાંચમ (કા. સુ. ૫) સુધી ચાલેલો. દર રવિવારે વાચનાના બદલે વિવિધ વિષયો ઉપર જાહેર વ્યાખ્યાન થતાં અને આઠમ ચૌદશના ઉપર્યુક્ત આગમના બદલે ક્રિયા અને સમાચારી વિષે વાચના થતી હતી. વાચનાનો આ માહોલ એવો જામ્યો હતો કે દૂર દૂર વસતા સુરતીઓ તો ખરા જ બહારથી પણ શ્રોતાઓ દોડી આવતા હતા.
આગમની સરગમ