________________
વીર રામમૂર્તિ
વીર રામમૂર્તિ ગામડા ગામની માતા. થોડું ભણેલી. કામકાજથી પરવારી માતા રામાયણ વાંચે.
સામે એક દમિયલ બાળક માતાનું મોં જોઈ ઓશિયાળું બની બેસી રહે.
માનું આ ત્રીજું બાળક હતું.
બે બાળક તો મોતીના દાણા જેવાં પાડ્યાં. એમનાં શરીર મજબૂત, વળી કમાતાં પણ ખરાં. કમભાગ્યે આ ત્રીજું બાળક બહુ કમજોર હતું.
વારંવાર તાવના ઝપાટે ચડી જાય. શરદી તો એની સદાની સાથી. ફેફસાં તો કફથી ભરેલાં જ રહે. બાકી હતું તે નાની ઉંમરમાં જ દમનો રોગ લાગુ પડ્યો. સાથે ભણવામાં પૂરો “ઢ' ! આ છોકરો લાંબું જીવશે એવી માને આશા નહીં. આખું ઘર એની દયા ખાય - જાણે મરવાને વાંકે જીવતો ન હોય !
ઘરમાં એની સ્થિતિ અણમાનીતા જેવી હતી.