________________
વીરપુત્રો, વિજેતાઓ અને ક્રાંતિકારીઓ, કળાકારો, લેખકો, વિજ્ઞાનીઓ અને રમતવીરોને પુસ્તકશ્રેણીમાં સમાવી લેવાનો અમારો પ્રયાસ છે. ભવિષ્યનું સપનું આંખોમાં સજાવી ઉચ્ચ કલ્પનાશીલતા, વિજયી તેજસ્વિતા અને પ્રેરણાનો પુંજ બાળકોને પ્રાપ્ત થાય એવી અમારી મનોકામના છે.
પુસ્તકશ્રેણીની માગ વર્ષોવર્ષ વધતી જ રહી છે એ બાલભારતી ટ્રસ્ટ માટે હર્ષજનક છે. અત્યાર સુધી પ્રસિદ્ધ કરાયેલી ૬૦ પુસ્તિકાઓને ભારે આવકાર સાંપડચો છે. એની પાંચેક લાખ નકલો ખપી ગઈ છે. શાળાઓ, પુસ્તકાલયો અને પરિવારોમાં એને ઉમંગપૂર્વક વધાવી લેવામાં આવી છે.
બાળ-કિશોરનાં જીવન વિવિધ જીવનમૂલ્યોથી સભર બની રહે અને સ્વસ્થ બાળમન થકી સ્વસ્થ સમાજઘડતરમાં આપણે સૌ સહભાગી બનીએ એવી કામના છે. દૂરદર્શન, કૅસેટો, કૉમિક્સ અને પરીકથાઓની ધૂમ વચ્ચે સદ્સાહિત્યનો સંગ અને રંગ ભાગ્યે જ જામતો હોય છે.
પરીક્ષાલક્ષી અને ચીલાચાલુ વાચન ઘડીક બાજુએ મૂકી બાલભારતી પુસ્તકશ્રેણીની પુસ્તિકાઓનો સંગાથ બાળકોને કરાવી આપો. બાળકો માટે તે ચોક્કસપણે ઉત્તમ ભેટ બની રહેશે એની અમને શ્રદ્ધા છે.
સંપાદક