________________
મનોગત
સારાં પુસ્તકોનો સંગાથ બાળકોને મળી રહે એ જોવાની એષણા માબાપ સમેત સૌને હોય અને સહજ છે. એવો સંગાથ રચીને બાલજગતમાં અમે એક શિક્ષણ અને સંસ્કારની પરબ માંડી છે. એ પરબ એટલે જ બાલભારતી પુસ્તકશ્રેણી.
કલ્પનાલોકમાં વિહરવાનું બાળકિશોરોને સહજ આકર્ષણ રહે છે. આ કલ્પનાવિહારની સાથોસાથ તેજસ્વી જીવનની પ્રેરણા પણ મળે એવું વાચન જીવનઘડતર માટે એટલું જ જરૂરી છે. હજારો વર્ષોના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનાં પાત્રોના જીવનપ્રસંગોમાં શિક્ષણ અને સંસ્કાર પૂરાં પાડે એવી અપાર વાતો પડેલી છે. ઊગતી અને ઊછરતી પેઢીને આવું પ્રેરણાદાયી સદ્સાહિત્ય સહજ, બાલભોગ્ય, રોચક શૈલીમાં મળી રહે એવા હેતુથી બાલભારતી ટ્રસ્ટે આ પુસ્તકશ્રેણી દ્વારા આપણા રાષ્ટ્રજીવનનાં તેજસ્વી ચરિત્રોને બાળકો સમક્ષ મૂક્યાં છે.
આપણા રાષ્ટ્રજીવનમાં ઝળહળી રહેલા શૂરવીરો અને મુત્સદ્દીઓ, સંતો અને સાધુઓ, વીરાંગનાઓ અને