________________
આ પ્રકારના કાર્યક્રમોમાં સંનિષ્ઠ પત્રકારોની મદદ મળતાં એને નવું જ પરિમાણ મળે છે એની ખાતરી આ પરિસંવાદ કરાવી.
આનંદની વાત તો એ છે કે આને અંગે અધિકારી, વિદ્વાનો, તંત્રીઓ, પત્રકારો અને લેખકોનો સક્રિય સાથ મળી શક્યો અને તેમના આ વિષય પરના મનનીય વાર્તાલાપો પ્રાપ્ત થઈ શક્યા. આ પરિસંવાદની વ્યવસ્થા અને તેને લગતી કેટલીક જવાબદારી નવગુજરાત કૉલેજની મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને તેના પ્રમુખ આચાર્યશ્રી એમ. સી. શાહે સાહિત્યપ્રીત્યર્થે ઉપાડી લીધી એની નોંધ લેવી ઘટે. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં શિક્ષણ-સંસ્કારની વિવિધ સંસ્થાઓએ સહકાર આપી એક તંદુરસ્ત પ્રણાલિકા ઊભી કરી છે, જેનું અનુકરણ ગુજરાતની અન્ય સંસ્થાઓ પણ કરશે તેવી અપેક્ષા છે. ગુજરાતનાં જુદાં જુદાં શહેરો અને ગામડાંઓમાં આવા અનેક કાર્યક્રમો થઈ શકે.
આ પરિસંવાદમાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધોને વ્યાપકપણે આવરી લેતી દષ્ટિએ વિષયોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બેઠકમાં એક વિષય રાખી તેનાં જુદાં જુદાં પાસાંઓ વિશે વિવિધ વક્તાઓ ચર્ચા કરે અને દરેક બેઠકને અંતે બેઠકના અધ્યક્ષશ્રી સમાપન કરે તેવી વ્યવસ્થા હતી. ચર્ચાને અંતે અનેક મુદ્દાઓ અને પ્રશ્નો ઊપસી આવ્યા હતા.
આ પરિસંવાદનો આરંભ રવિવાર તા. ૨૦-૪-'૮૦ના રોજ થયો. પ્રારંભે આ લખનારે પરિસંવાદના આયોજન પાછળની ભૂમિકા સમજાવી. એ પછી પ્રિ. એમ. સી. શાહે ભાગ લઈ રહેલા લેખક અને પત્રકારમિત્રોનું સ્વાગત કર્યું. શ્રી વાડીલાલ ડગલીના પ્રારંભિક ઉદ્ધોધને સાહિત્ય અને પત્રકારત્વને લગતા મહત્ત્વના મુદ્દાઓને ચર્ચાની એરણ પર ઉપસાવીને મૂક્યા. આ પછી ગુજરાતના બે અગ્રણી દૈનિકોના તંત્રીઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં. ત્યાર બાદ પ્રથમ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો. ચારે બેઠકમાં જુદા જુદા વક્તાઓ ભિન્ન ભિન્ન વિષયો પર બોલ્યા.
સવારના નવ વાગ્યાથી શરૂ થયેલો આ પરિસંવાદ સાંજના પોણા સાત સુધી ચાલ્યો હતો. બપોરે લેખકોએ અને પત્રકારોએ સાથે ભોજન લીધું હતું અને આખો દિવસ સાહિત્યકારો અને પત્રકારોનો મેળાપ ચાલુ રહ્યો હતો.