________________
પ્રસ્તાવના
[પ્રથમ આવૃત્તિ ] સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. એક રીતે જોઈએ તો પત્રકારત્વ સાહિત્યનું જ એક અંગ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીમાં યોજાયેલા અધિવેશનમાં પત્રકારત્વ વિભાગ હતો, પણ એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સર્જન, વિવેચન, સંશોધન અને પરિસંવાદ એટલા જ વિભાગો રાખવાનું નક્કી થયું, જેથી પત્રકારત્વ જેવો સાહિત્યની નજીકનો અને ક્યારેક તો સાહિત્યની અનેક શાખાઓ સાથે ઓતપ્રોત લાગતો વિભાગ સીધી સાહિત્યિક ચર્ચાનો લાભ પામી શક્યો નથી.
પત્રકારત્વ એવું સમૂહ માધ્યમ છે કે તેની સાથેનો સાહિત્યનો સંબંધ પરોક્ષ બનતો જાય તે પાલવે નહીં. વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુલેખન, આસ્વાદ, પ્રકાશનના પ્રશ્નો વગેરેને સાહિત્યિક પત્રકારત્વ સાથે આંતરિક સંબંધ છે. એટલે સાહિત્ય અને પત્રકારત્વની એકબીજાના પૂરક તરીકેની કામગીરીની સમીક્ષા કરવી, મૂલ્યાંકન કરવું અને તેને વિશે પ્રવર્તતાં ભ્રમો અને ગેરસમજ દૂર કરવા માટે પત્રકારો અને સાહિત્યકારો એકઠા મળીને ચર્ચા-વિચારણા કરે તે જરૂરનું લાગ્યું. તેનું મૂર્ત પરિણામ એટલે સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાતો આ પરિસંવાદ.
જેમ ઘણા અધ્યાપકો સર્જકો હોય છે તેમ અમુક પત્રકારો પણ સર્જકો છે. તેથી અધ્યાપનના અને પત્રકારત્વના પ્રશ્નોની ચર્ચા ક્યારેક સાહિત્યના તાત્વિક તેમજ વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં મદદરૂપ થઈ શકે. સાહિત્યની સાચી સમજ કેળવી શકાય અને સર્જાતા સાહિત્ય વિશે સાચી દિશાનો અભિગમ બંધાતો જાય તેવું સર્જવામાં અધ્યાપકો, સાહિત્યકારો અને પત્રકારોનું આ પ્રકારનું મિલન ખૂબ ઉપકારક થાય તેમ છે.
પરિષદભૂમિ પર યોજાયેલા પ્રથમ કવિ-સંમેલનમાં સંમેલનના પ્રમુખ શ્રી નિરંજન ભગતે કહેલું કે શિક્ષણ-સંસ્થાઓમાં સાહિત્ય એ સાધન છે, જ્યારે સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ માટે સાહિત્ય સાધન અને સાધ્ય બંને બને છે. એટલે કે અહીં સાહિત્ય સીધું ભાવક સુધી પહોંચે એવા ઉપક્રમો થવા જોઈએ.